કોરાના પૉઝિટિવના સંપર્કમાં આવનારી વ્યક્તિએ ટેસ્ટ ન કરાવતાં પોલીસે કરી ધરપકડ

24 November, 2021 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિપિનકુમારે તેમને સૅમ્પલ લેવા નહોતું દીધું અને અપશબ્દો કહ્યા હતા તથા ડૉક્ટર અને નર્સને ધક્કો પણ માર્યો હતો. ડૉ. રોહિત ખટીકે નેરુળ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં વિપિનકુમારની ધરપકડ કરવામાં આવી હતી.

કોરાના પૉઝિટિવના સંપર્કમાં આવનારી વ્યક્તિએ ટેસ્ટ ન કરાવતાં પોલીસે કરી ધરપકડ

કોરોનાથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોવા છતાં કોવિડ ઍન્ટિજન ટેસ્ટ કરાવવાનો ઇનકાર કરીને હેલ્થકૅર વર્કર સાથે ગેરવર્તણૂક કરીને તેના કામમાં વિઘ્ન ઊભું કરનાર ૪૨ વર્ષના એક વ્યક્તિની નેરુળ પોલીસે ધરપકડ કરી છે. 
નેરુળના સેક્ટર-૧૫ના એન-૨ બિલ્ડિંગમાં એક કોરોના પૉઝિટિવ દરદી હોવાનું જાણ્યા બાદ એક ડૉક્ટર અને નર્સની ટીમ રવિવારે બપોરે ત્યાં પહોંચી ગઈ હતી. સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર શ્યામ શિંદેએ જણાવ્યું કે નવી મુંબઈના સુધરાઈ કમિશનરના આદેશ અનુસાર અધિકારીઓએ દરેક પૉઝિટિવ કેસના સંપર્કમાં આવેલી ૩૧ વ્યક્તિઓનું કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરવાનું રહે છે.
અધિકારીઓએ આ કારણસર ટેલિકૉમ કંપનીમાં ટ્રેઇનર તરીકે કામ કરતા વિપિનકુમાર પૂરણચંદ ભોલાનો સંપર્ક કર્યો હતો. વિપિનકુમારે તેમને સૅમ્પલ લેવા નહોતું દીધું અને અપશબ્દો કહ્યા હતા તથા ડૉક્ટર અને નર્સને ધક્કો પણ માર્યો હતો. ડૉ. રોહિત ખટીકે નેરુળ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં વિપિનકુમારની ધરપકડ કરવામાં આવી હતી.
અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર મિલિંદ ફડતરેએ જણાવ્યું હતું કે વિપિનકુમારની ધરપકડ બાદ તેની આરટી-પીસીઆર કરાઈ હતી, જે નેગેટિવ આવી હતી. તેને સોમવારે અદાલત સમક્ષ હાજર કરાયા બાદ મૅજિસ્ટ્રેટ કોર્ટે તેને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. 

Mumbai mumbai news Crime News coronavirus covid vaccine covid19