મીરા-ભાઈંદરમાં વિવાદગ્રસ્ત બૅનર લગાડનાર અંતે પકડાયા

07 September, 2021 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે સીસીટીવી કૅમેરાની મદદથી ચાર જણને પકડી પાડ્યા, પરંતુ કોણે લગાડવાનું કહ્યું એ પોલીસ શોધી રહી છે

મીરા રોડ, ગોલ્ડન નેસ્ટ, હાટકેશ ભાગમાં પ્રત્યેક પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં બે-બે આવાં બૅનરો લગાડવામાં આવ્યાં હતાં

‘મીરા-ભાઈંદર કા આમદાર કોઈ ઉત્તર ભારતીય હી હોગા’ એવું બૅનર મીરા-ભાઈંદરમાં લગાડવામાં આવતાં વિવાદ ઊભો થયો હતો. એથી શહેરની શાંતતાનો ભંગ કરવા બદલ પોલીસે બૅનર લગાડનારની શોધ હાથ ધરી અને ચાર જણને શોધી કાઢ્યા હતા. પરંતુ બૅનર લગાડવાનું કોણે કહ્યું એ પોલીસ શોધી રહી છે.

મીરા-ભાઈંદરના ગોલ્ડન નેસ્ટ, હાટકેશ, મીરા રોડ ભાગમાં આ વખતે મીરા-ભાઈંદરના ધારાસભ્ય કોઈ ઉત્તર ભારતીય જ હશે એવું પાંચ ફુટ પહોળું અને સાત ફુટ ઊંચાઈ ધરાવતું બૅનર અજ્ઞાત વ્યક્તિ દ્વારા લગાડ્યું હતું. અમુક ઠેકાણે તો મોટા ઇલેક્ટિકલ પોલ પર લગાડવામાં આવ્યાં છે. આ બૅનર લાગ્યા બાદ અનેક સંસ્થાઓએ નારાજગી દાખવી હતી. તેમ જ અનેક લોકોએ મરાઠી એકીકરણ સમિતિ નામની સામાજિક સંસ્થાને ફરિયાદ પણ કરી હતી. એથી સંસ્થા દ્વારા એ સ્થળે જઈને તપાસ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસ પાસે તાત્કાલિક બૅનરને દૂર કરવાની માગણી હાથ ધરાઈ હતી. તેમ જ શહેરની શાંતતા ભંગ કરવાના હેતુ ધરાવતું આ બૅનર લગાડનાર સામે ગુનો નોંધવાની પણ માગણી કરાઈ હતી. એથી મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં અસિસ્ટન્ટ કમિશનર કાંચન ગાયકવાડ અને સાથી કર્મચારીઓએ જઈને પંચનામુ કર્યું હતું. તેમ જ મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની પરવાનગી ન લઈને ગેરકાયદે રીતે અજ્ઞાત વ્યક્તિ દ્વારા બૅનર લગાડાયું હોવાથી વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ કેસમાં તપાસ કરવા નવઘર પોલીસે બૅનર લગાડ્યું ત્યાં ઘટનાસ્થળ પરિસરના સીસીટીવી કૅમેરાના ફુટેજની તપાસ કરી હતી. ફુટેજની તપાસ કરતાં બૅનર જેણે લગાડ્યું છે તેમના ચહેરા જોવા મળ્યા હોવાથી પોલીસે તેમના સુધી પહોંચી શક્યા હતા. નવઘર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી મિલિંદ દેસાઈએ ‘મિડ-ડે’ને જણાવ્યા પ્રમાણે ‘પોલીસે ચાર જણને શોધીને તેમનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. તેમ જ બૅનર કોના કહેવાથી લગાડવામાં આવ્યું હતું એ વિશે તપાસ ચાલી રહી છે.’

તેમ જ મરાઠી એકીકરણ સમિતિના અધ્યક્ષ ગોવર્ધન દેશમુખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાનગરપાલિકાએ પરવાનગી લીધા વગર બૅનર લગાડ્યું હોવાથી ગુનો નોંધ્યો હતો. તેમ જ નવઘર પોલીસ, મીરા રોડ, કાશીમીરા પોલીસ સ્ટેશનમાં ૩ વિવિધ એફઆઇઆર નોંધવામાં આવ્યા છે. એથી નવઘર પોલીસ પ્રમાણે મીરા રોડ, કાશીમીરા પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે.’

mumbai mumbai news mira road bhayander mumbai police