પોલીસ મારો પરિવાર છે, હું પરિવારને એકલો મૂકી શકું નહીં: હોમ મિનિસ્ટર

22 May, 2020 02:14 PM IST  |  Mumbai | Dharmendra Jore

પોલીસ મારો પરિવાર છે, હું પરિવારને એકલો મૂકી શકું નહીં: હોમ મિનિસ્ટર

અનિલ દેશમુખ

રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે મંગળવારે ખાતરી આપી હતી કે સરકાર કોવિડ-19 મહામારીના સમયમાં મુંબઈ તથા રાજ્યના બાકીના ભાગોમાં પોલીસ-કર્મચારીઓનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે તેની સત્તામાં આવતું સઘળું કરી છૂટશે. દેશમુખે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું પોલીસ પરિવારનો વડો છું અને મેં ફરજ પર તહેનાત પોલીસ-કર્મચારીઓ સાથે વાતચીત કરવા માટે મુંબઈ સહિતના ૧૮ જિલ્લાઓનાં હૉટસ્પૉટ્સની મુલાકાત લીધી છે. હું મારા પરિવારને એકલો મૂકી શકું નહીં.’

પોલીસ સ્ટાફના હૉસ્પિટલાઇઝેશન માટે એક કોવિડ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. મરોલ ખાતે કૅર સેન્ટર માટે ગયા અઠવાડિયે ૨૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. પોલીસ હાઉસિંગ વિભાગ અને બીએમસી સ્પૉન્સર્સ સાથે મળીને એનું નિર્માણ કરશે. શહેરની બે હૉસ્પિટલો ખાતે પોલીસ સ્ટાફ માટે ૫૦૦ જેટલા કોવિડ-19 બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

સ્ટાફ અને અધિકારીઓના દુઃખદ મોત વિશે શોક વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘તકેદારીના પગલારૂપે પંચાવન વર્ષની ઉપરના તમામ પોલીસ-કર્મચારીઓને ભરપગારે રજા પર ઊતરી જવા જણાવાયું છે અને ક્વૉરન્ટીન પોલીસ-કર્મચારીના પરિવારોને તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.’

તેમણે જણાવ્યું હતું કે ‘હૉટસ્પૉટ વિસ્તારોમાં પૅરામિલિટરી દળોનો બંદોબસ્ત રાજ્ય પોલીસને ઘણા અંશે રાહત પૂરી પાડશે, કારણ કે લૉકડાઉન પછીના ગાળામાં તેમણે તરત જ તહેવારો સમયના બંદોબસ્તમાં લાગી જવું પડશે.’

૭૦ વર્ષના પ્રધાને જણાવ્યું હતું કે ‘તેમની વય તેમને બહાર નીકળવાથી અટકાવી નથી શકતી, કારણ કે ઊંચું જોખમ ધરાવતા વય-જૂથમાં સામેલ આઇપીએસ અને રાજ્ય સેવા અધિકારીઓ ફ્રન્ટલાઇન વૉરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે.’

coronavirus covid19 maharashtra mumbai mumbai police dharmendra jore