દહિસર-અંધેરી મેટ્રોના ઉદ્ઘાટન માટે ૧૯મીએ નરેન્દ્ર મોદી મુંબઈ આ‍વશે?

11 January, 2023 09:26 AM IST  |  Mumbai | Dharmendra Jore

વડા પ્રધાન સુધરાઈની ચૂંટણીના અભિયાનનો ઔપચારિક પ્રારંભ કરે એવી શક્યતા : જો તારીખોનો મેળ પડ્યો તો શહેરમાં એક રાજકીય રૅલી પણ યોજાશે

ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ જાન્યુઆરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા અને સુધરાઈની ચૂંટણી પહેલાં કેટલીક ઘોષણાઓ કરવા મુંબઈ આવે એવી શક્યતા છે. આ ઇવેન્ટ ચૂંટણીપ્રચારની ઔપચારિક શરૂઆત હશે. જોકે ચૂંટણીની તારીખોનો નિર્ણય સુપ્રીમ કોર્ટના આદેશ પર અવલંબિત છે. મેટ્રો લાઇન ૨એ અને મેટ્રો ૭નો બીજો તબક્કો લૉન્ચ માટે તૈયાર છે. પહેલા તબક્કાનું ઉદઘાટન મહાવિકાસ આઘાડી દ્વારા એપ્રિલ ૨૦૨૨માં કરવામાં આવ્યું હતું. નવી મુંબઈમાં આવેલો અન્ય એક મેટ્રો પ્રોજેક્ટ પણ તૈયાર છે. વડા પ્રધાન આ લાઇનનું પણ ઉદઘાટન કરશે. આ રિપોર્ટ છપાય ત્યાં સુધી વડા પ્રધાન કાર્યાલય દ્વારા તારીખો વિશે કોઈ ફોડ ફાડવામાં આવ્યો નથી. વડા પ્રધાન મુખ્ય પ્રધાનના વિધાનસભા મતવિસ્તાર થાણેમાં બનનારી એક કૅન્સર હૉસ્પિટલનો પણ શિલાન્યાસ કરે એવી શક્યતા છે.

મેટ્રો ઉપરાંત બીજેપી-શિંદે સેના સરકારે સુધરાઈની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને મુંબઈના સૌંદર્યકરણનો પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. એને વડા પ્રધાન મોદીના બ્રૅન્ડિંગ હેઠળ મોટા પાયે પ્રસિદ્ધિ આપવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટનો વિચાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આવ્યો હતો. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ વડા પ્રધાન સાથે બ્રૅન્ડિંગમાં દેખાય છે.

ગયા મહિને મોદીએ નાગપુરમાં સમૃદ્ધિ મહામાગ્રના પહેલા તબક્કાનું ઉદઘાટન કર્યું હતું. જો તેઓ મુંબઈ આવશે તો ગયા વર્ષે જૂન મહિનામાં  શિવસેનામાં ભાગલા પાડીને ઉદ્ધવ સરકારને તોડી પાડ્યા બાદ વડા પ્રધાનની આ પહેલી મુલાકાત હશે. જો વડા પ્રધાનના કાર્યાલય દ્વારા મુલાકાત માટે હા પાડવામાં આવે તો મુખ્ય પ્રધાન શિંદે અને ફડણવીસ તેમની દાવોસની મુલાકાતને ટૂંકાવશે. ૧૫થી ૧૯ જાન્યુઆરી દરમ્યાન મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે રોકાણકારોને આકર્ષવા આ બન્ને વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં હાજરી આપશે.

બીજેપી વડા પ્રધાન મોદીની શહેરમાં રાજકીય રૅલી યોજવાની ઇચ્છા ધરાવે છે. બીજેપી છેલ્લાં ૨૫ વર્ષથી શહેર સુધરાઈ પર કબજો જમાવીને બેસેલી ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાને હરાવવા માગે છે. ૨૦૧૭માં એ માત્ર બે સીટથી પાછળ રહી હતી. શિવેસનામાં થયેલા ભંગાણ બાદ કોણ જીતશે એની આગાહી કરવી મુશ્કેલ છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસને કારણે ચૂંટણીમાં એક વર્ષનો વિલંબ થયો છે. વૉર્ડના પુન:નિર્માણ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંખ્યા જેવા નિર્ણયને પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે એ ૧૪ ફેબ્રુઆરીથી શિવસેનામાં પડેલા ભાગલાને કારણે સર્જાયેલી રાજકીય કટોકટી સંબેધિત અરજીઓની સુનાવણી કરશે. 

mumbai mumbai news mumbai metro andheri dahisar narendra modi dharmendra jore