મોદીજી પહેલાં કોરોનાની વૅક્સિન લે: પ્રકાશ આંબેડકર

17 January, 2021 08:32 AM IST  |  Aurangabad | Gujarati Mid-day Correspondent

મોદીજી પહેલાં કોરોનાની વૅક્સિન લે: પ્રકાશ આંબેડકર

પ્રકાશ આંબેડકર

વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘વડા પ્રધાને પોતે સૌથી પહેલાં કોરોના વિરોધી રસી લેવી જોઈએ. લોકોના મનમાંથી શંકા દૂર કરવા માટે સૌથી પહેલાં નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વૅક્સિનના ડોઝ લેવા જોઈએ. તેઓ વૅક્સિન લે ત્યાર પછી હું પણ તેના બે ડોઝ લઈશ.’

પ્રકાશ આંબેડકરે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રના કૃષિ સુધારા કાયદા વિરુદ્ધ ખેડૂતોના દિલ્હીમાં ચાલતા આંદોલનને સમર્થન માટે વંચિત બહુજન આઘાડી આગામી ૨૭ જાન્યુઆરીએ સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન યોજશે. એ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ વંચિત બહુજન આઘાડીના મુસ્લિમ સ્વયંસેવકો સંભાળશે. એ સૂચિત વિરોધ પ્રદર્શનને મેં ‘કિસાન બાગ આંદોલન’ નામ આપ્યું છે. દિલ્હીમાં નાગરિકતા કાયદા સામે ‘શાહીન બાગ’ વિરોધ પ્રદર્શનમાં મુસ્લિમોને સિખોએ સાથ અને રક્ષણ આપ્યા હતા. આ વખતે ‘કિસાન બાગ આંદોલન’માં મુસ્લિમો સિખોને સમર્થન આપશે. કૉન્ગ્રેસ, સામ્યવાદી પક્ષ અને માર્ક્સવાદી પક્ષ જેવા વિરોધ પક્ષો ખેડૂતોના આંદોલનને પીઠબળ આપવામાં નિષ્ફળ ગયા છે.  

ઔરંગાબાદને સંભાજીનગર નામ આપવાની માગણીને મુસ્લિમ વિરોધી ભાવનાઓ ગણાવતાં પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે છત્રપતિ સંભાજી મહારાજને ઔરંગાબાદ શહેર જોડે કોઈ સંબંધ નહોતો. વંચિત બહુજન આઘાડી કોઈ પણ પક્ષ જોડે ગઠબંધન વગર ઔરંગાબાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી લડશે. એ ચૂંટણી અમારો પક્ષ પાણી પુરવઠાની તંગીના મુદ્દે લડશે.

coronavirus covid19 maharashtra aurangabad narendra modi