મળવા તો આવ્યા હતા મોદીને, મળી ગઈ લાઠી

20 January, 2023 09:18 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

...જેની જરૂર પણ હતી, કારણ કે ગુંદવલી સ્ટેશને નરેન્દ્ર મોદીનો આવવાનો સમય અને ઑફિસ છૂટવાનો સમય એક થયો અને ત્યાં મોદીને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા જેથી નાસભાગની દુર્ઘટના ન સરજાય એટલે પોલીસે લાઠી ઉગામવી પડી

ગુંદવલી મેટ્રો સ્ટેશન પર પોલીસના લાઠીમાર પછી લોકોની ચંપલો રસ્તા પર છૂટી હતી

ગઈ કાલે અંધેરીના ગુંદવલી સ્ટેશન પાસે નરેન્દ્ર મોદી લગભગ ૬.૫૦ વાગ્યે પહોંચ્યા હતા. એ સમયે ઘણી ઑફિસો છૂટવાનો સમય થઈ ગયો હતો. ઘણા લોકો તો મેટ્રો ટ્રેન બંધ થઈ ગઈ હોવાથી ક્યાં જવું એમ કહીને રસ્તા પર ફરી રહ્યા હતા.  આ ઉપરાંત મોટી સંખ્યામાં મોદી-પ્રેમીઓ પણ તેમને જોવા માટે ગુંદવલી સ્ટેશન પાસે ભેગા થયા હતા. મુંબઈ પોલીસ અને ટ્રાફિક પોલીસ વાહનોની અવરજવર પર નિયંત્રણ રાખવામાં વ્યસ્ત હતી. બીજી બાજુ લોકોની અવરજવર ખૂબ વધી ગઈ હતી. એવામાં વડા પ્રધાને સ્ટેશનમાં એન્ટ્રી લીધી અને બીજી બાજુ ટ્રાફિક બંધ કરતાં લોકોની ભીડ ઊમટી પડી હતી. એમાં નરેન્દ્ર મોદીના અમુક ફૅનનો તો ઑફિસથી છૂટેલા લોકોનો સમાવેશ હતો. જોકે નરેન્દ્ર મોદી મેટ્રો સ્ટેશનની અંદર ગયા ત્યાર બાદ સામેની બાજુએ લોકો આમથી તેમ થવામાં ધક્કામુક્કી કરવા લાગ્યા હતા. એમાં નાસભાગ થવાની શક્યતા હોવાથી પોલીસે લોકોને લાઠી મારીને દૂર કર્યા હતા.

ગઈ કાલે સાંજે નરેન્દ્ર મોદી અંધેરીમાં મેટ્રોનું ઉદ્‍ઘાટન કરવા આવવાના હોવાથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો (તસવીર : અનુરાગ અહિરે)

અહીં ફરજ બજાવતા એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘જો અમે કડક વ્યવસ્થા ન કરી હોત તો નાસભાગ થઈ ગઈ હોત. આ જ કારણસર અમારે લોકોને ધક્કા મારીને તેમ જ હળવો લાઠીચાર્જ કરીને દૂર કરવા પડ્યા હતા.’

ગઈ કાલે પોણા બે કલાક મેટ્રો-૧ બંધ હોવાથી ઘાટકોપરમાં એના ગેટને તાળાં મારી દેવામાં આવ્યાં હતાં

દરમ્યાન, ગઈ કાલે રાત્રે વડા પ્રધાનના ગયા બાદ ૭.૩૭ વાગ્યે વર્સોવા-ઘાટકોપર વચ્ચે પહેલી ટ્રેન દોડી હતી. ધસારાના સમયે પોણાબે કલાક મેટ્રો બંધ રહી હોવાથી લોકોએ થોડી અગવડનો સામનો કરવો પડ્યો હતો. ઘણા પ્રવાસીઓ અંધેરીથી બાય રોડ ઘાટકોપર જવા નીકળ્યા હતા, પણ તેઓ ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા. 

mumbai mumbai news narendra modi mumbai police mumbai metro