૧૨ કરોડ રૂપિયાની કાર ધરાવતા પીએમ મોદીએ સ્વયંને ફકીર ન ગણવા જોઈએ : સંજય રાઉત

03 January, 2022 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેનાના મુખપત્ર ‘સામના’માં તેમની કૉલમ ‘રોકઠોક’માં સંજય રાઉતે ઇન્દિરા ગાંધીની સિક્યૉરિટી ગાર્ડ્સ ન બદલવા બદલ પ્રશંસા કરી હતી

સંજય રાઉત

શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં ૧૨ કરોડ રૂપિયાની કાર ઉમેરાઈ હોવાથી હવે તેમણે સ્વયંને ફકીર ન ગણવા જોઈએ.
સેનાના મુખપત્ર ‘સામના’માં તેમની કૉલમ ‘રોકઠોક’માં સંજય રાઉતે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની હંમેશાં ભારતીય બનાવટની કાર વાપરવા બદલ અને ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની જીવનું જોખમ હોવા છતાં પોતાના સિક્યૉરિટી ગાર્ડ્સ ન બદલવા બદલ પ્રશંસા કરી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પણ જીવના જોખમે તામિલનાડુમાં જનમેદની વચ્ચે ગયા હતા અને તેમની હત્યા થઈ હતી એમ તેમણે જણાવ્યું હતું સંજય રાઉતે લેખમાં જણાવ્યું હતું કે ‘૨૮ ડિસેમ્બરે માધ્યમોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટેની ૧૨ કરોડ રૂપિયાની કારના ફોટો પ્રસિદ્ધ કર્યા હતા. પોતાને ફકીર ગણાવનાર વ્યક્તિ, પ્રધાનસેવક વિદેશી બનાવટની કાર વાપરે છે. પીએમની સુરક્ષા અને સુવિધા મહત્ત્વનાં છે, પણ હવેથી પ્રધાનસેવકે સ્વયંને ફકીર ન ગણાવવા જોઈએ.’
તેમણે એમ પણ કહ્યું કે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘સ્ટાર્ટઅપ’ જેવી સ્વદેશી પહેલ શરૂ કરનારા વડા પ્રધાન વિદેશી બનાવટની કાર વાપરી રહ્યા છે.

mumbai mumbai news shiv sena sanjay raut narendra modi