22 March, 2026 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દીપડા દ્વારા માનવવવસ્તીમાં આવી જઈને હુમલો કરવાના બનાવો વધી રહ્યા હોવાથી એના પર અંકુશ લાવવા અને ઇકો-ટૂરિઝમ વિકસાવવાના હેતુ સાથે થાણે, પાલઘર અને રાયગડ જિલ્લામાં લેપર્ડ સફારી ઊભી કરવાનું વિચારાઈ રહ્યું છે એમ ફૉરેસ્ટ મિનિસ્ટર ગણેશ નાઈકે જણાવ્યું હતું. વાઘ અને દીપડાની વસ્તીમાં બહુ જ વધારો થયો છે અને દીપડા દ્વારા માનવવસ્તીમાં આવીને હુમલો થવાના બનાવોમાં પણ વધારો થયો છે એટલે લેપર્ડ સફારી પ્લાન કરાઈ રહી છે એમ જણાવતાં ગણેશ નાઈકે કહ્યું હતું કે ‘જંગલના મોટા વિસ્તારમાં આ સફારી પ્લાન કરાઈ રહી છે. વળી એ વિસ્તારને કૉર્ડન કરવા માટે વાંસની જાડી વાડ ઊભી કરવામાં આવશે જે દીપડા માટે નૅચરલ બાઉન્ડરીનો રોલ નિભાવશે. એ સિવાય અમે જંગલમાં વિવિધ ફળોનાં વૃક્ષો વાવવાનો પ્લાન કરી રહ્યા છીએ જેથી એના પર નભનારા વાંદરા, સસલા અને જંગલી ભૂંડ જેવાં પ્રાણીઓની સંખ્યા વધે તથા એમના પર નભનારા દીપડા જંગલની બહાર ખોરાકની શોધમાં ન આવી ચડે. હાલ ૪૦૦ જેટલા દીપડાને ઝડપી લેવાયા છે અને એમાંથી કેટલાકને ગુજરાતના વનતારામાં મોકલવામાં આવ્યા છે.’
ભાંડુપમાં ગઈ કાલે વહેલી સવારે ૩.૨૮ વાગ્યે અમર કોર વિદ્યાલય પાસે દીપડો આવી ચડ્યો હતો. સ્કૂલની બાઉન્ડરી વૉલને લાગીને આવેલા વિસ્તારમાં દીપડાએ રખડતા કૂતરાને પોતાનાં જડબાંમાં ઝડપી લીધો હતો. એ પછી એણે પથ્થરની ઊંચી દીવાલ પર ચડીને નાસી જવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ આખી ઘટના ત્યાં લગાવવામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે આ વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.