11 August, 2024 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપી અને તેની પાસેથી જપ્ત કરવામાં આવેલી પિસ્તોલ સાથે બોરીવલી રેલવે પોલીસ.
૧૫ ઑગસ્ટ નજીક છે ત્યારે પોલીસ રેલવે-સ્ટેશન પર પ્રવાસીઓની સઘન તપાસ કરી રહી છે જેમાં બોરીવલી રેલવે-સ્ટેશને શુક્રવારે રાતે બિહારથી આવેલા ૨૪ વર્ષના અભયકુમાર ઉમેશકુમાર પાસેથી ઇટાલિયન બનાવટની પિસ્તોલ અને ૧૪ જીવંત કારતૂસ મળી આવતાં પોલીસ ચોંકી ગઈ હતી. આરોપી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં
જણાયું છે.
બોરીવલી રેલવે-પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તાત્રય ખુપેરકરે કહ્યું હતું કે ‘શુક્રવારે રાતે બિહારથી આવેલી ટ્રેનમાં અભયકુમાર ઉમેશકુમાર નામનો પ્રવાસી બોરીવલી રેલવે-સ્ટેશને ઊતર્યો હતો ત્યારે અમારી ટીમે તેની પાસેની બૅગ ચેક કરવાનું કહ્યું હતું ત્યારે તેણે પહેલાં આનાકાની કરી હતી, પણ બાદમાં તૈયારી દાખવતાં તેની બૅગ ખોલવામાં આવી ત્યારે એમાંથી ઇટાલિયન બનાવટની વિદેશી પિસ્તોલ અને ૧૪ જીવંત કારતૂસ મળી આવી હતી. ગન રાખવાનું લાઇસન્સ ન હોવાથી અમે અભયકુમારની ગેરકાયદે શસ્ત્ર ધરાવવાના આરોપસર ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં જણાયું કે અભયકુમાર મેકૅનિકલ એન્જિનિયર છે. તે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહ્યો છે અને તેના એક ફ્રેન્ડ સાથે મીરા રોડ રહે છે. થોડા સમય પહેલાં તે બિહારના મુંગેરમાં આવેલા વતન ગયો હતો. આરોપીને વિદેશી પિસ્તોલ રાખવાનો શોખ હતો એટલે તેણે કોઈક પાસેથી જપ્ત કરેલી પિસ્તોલ ૧૮,૫૦૦ રૂપિયામાં અને ૧૪ કારતૂસ ૫૦૪૦ રૂપિયામાં ખરીદી હતી. આ પિસ્તોલ આરોપીએ કોની પાસેથી ખરીદી હતી એ અને આરોપી મુંબઈમાં આ પિસ્તોલ કોઈકને વેચીને વધુ રૂપિયા કમાવા માગતો હતો કે નહીં એની તપાસ હાથ ધરવામાં આવી છે.’