ફોનટૅપિંગ કેસ: રશ્મિ શુક્લા સામે મુકદ્દમો ચલાવવા મુંબઈ પોલીસે કેન્દ્રની મંજૂરી માગી

10 August, 2022 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પોલીસે અદાલતને જણાવ્યું હતું કે ફોનટૅપિંગ કેસમાં આઇપીએસ અધિકારી રશ્મિ શુક્લા સામે મુકદ્દમો ચલાવવા માટે તેમણે કેન્દ્ર સરકારની મંજૂરી માગી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (પી.ટી.આઇ.) ઃ મુંબઈ પોલીસે અદાલતને જણાવ્યું હતું કે ફોનટૅપિંગ કેસમાં આઇપીએસ અધિકારી રશ્મિ શુક્લા સામે મુકદ્દમો ચલાવવા માટે તેમણે કેન્દ્ર સરકારની મંજૂરી માગી છે.
કોલાબા પોલીસ પણ આ કેસની તપાસ ચલાવી રહી છે અને ગયા એપ્રિલ મહિનામાં એણે રશ્મિ શુક્લા સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જોકે મૅજિસ્ટ્રેટ કોર્ટે રશ્મિ શુક્લા સામે મુકદ્દમો ચલાવવાની મંજૂરીની ગેરહાજરીમાં ચાર્જશીટ ધ્યાન પર લીધી નથી.
છઠ્ઠી ઑગસ્ટે પોલીસે અદાલતને જણાવ્યું હતું કે એણે આઇપીએસ અધિકારી સામેના કેસમાં સીઆરપીસીની સુસંગત જોગવાઈઓ હેઠળ કેન્દ્ર પાસેથી મંજૂરી માગી છે. ઉલ્લેખનીય છે કે જો કરવામાં આવેલું કથિત કામ સત્તાવાર ફરજ સાથે સીધું સંકળાયેલું હોય તો સરકારી અમલદાર સામે મુકદ્દમો ચલાવવા માટે સીઆરપીસીની કલમ ૧૯૭ હેઠળ સક્ષમ ઑથોરિટીની મંજૂરી મેળવવી જરૂરી બની રહે છે.
૭૦૦થી વધુ પાનાં ધરાવતી ચાર્જશીટમાં શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત અને એનસીપી નેતા એકનાથ ખડગે સહિત રશ્મિ શુક્લા જ્યારે મહારાષ્ટ્ર સ્ટેટ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ડનાં વડાં હતાં એ સમયે જેમના ફોન ગેરકાયદે ટૅપ થયા હતા એવી ૨૦ જેટલી વ્યક્તિઓનાં નિવેદનો સામેલ છે.                                

mumbai police mumbai news