નાગપુરમાં પેટ્રોલ પમ્પ પર લૂંટ ચલાવાઈ, એક કર્મચારીની હત્યા, બીજો જખમી

22 May, 2020 01:03 PM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

નાગપુરમાં પેટ્રોલ પમ્પ પર લૂંટ ચલાવાઈ, એક કર્મચારીની હત્યા, બીજો જખમી

પ્રતિકાત્મક તસવીર

નાગપુરમાં ગઈ કાલે વહેલી સવારે પેટ્રોલ પમ્પ પર બનેલી લૂંટની એક ઘટનામાં અજાણ્યા શખસોએ પેટ્રોલ પમ્પના કર્મચારીની હત્યા કરીને એક લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં અન્ય એક કર્મચારી જખમી થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

વાનાડોંગરી નજીક હિંગના-અમરાવતી બાયપાસ પર આવેલા મધુકર ઉગલેની માલિકીના વિદ્યા સર્વો પેટ્રોલ પમ્પ પર આ ઘટના બની હતી.

પ્રથમદર્શી તપાસમાં જણાયું હતું કે ગઈ કાલે વહેલી સવારે ચારથી પાંચ લૂંટારાઓ ૫૩ વર્ષના લીલાધર ગોહતે અને ૬૧ વર્ષના પંઢરી ભંડારકર ઊંઘી રહ્યા રહ્યા હતા ત્યારે પેટ્રોલ પમ્પની કૅબિન તોડીને એમાં ઘૂસી ગયા હતા અને તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો. બન્નેને બેભાનાવસ્થામાં છોડીને તેઓ એક લાખ રૂપિયા લઈને પલાયન થઈ ગયા હતા. સવારે પોતાના વાહનમાં પેટ્રોલ ભરાવવા ગયેલી એક વ્યક્તિએ તેમને મૃત હાલતમાંમાં જોઈને પોલીસને જાણ કરી હતી. પોલીસે પહોંચીને મૃત ભંડારકરના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યો હતો તથા ઘોટેને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ લૂંટ અને હત્યાનો ગુનો નોંધ્યો છે.

પુણેમાં ૪૩વર્ષના પોલીસનું કોરોનાને કારણે મોત

પુણે પોલીસના ૪૩ વર્ષના પોલીસ-કૉન્સ્ટેબલ જેમની કોવિડ-19ની ટેસ્ટમાં પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તેમનું ગઈ કાલે પુણેની એક હૉસ્પિટલમાં મૃત્યુ થયું હોવાનું એક વરિષ્ઠ પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું.

આ કૉન્સ્ટેબલ પુણે પોલીસની ટ્રાફિક શાખા સાથે જોડાયેલા હતા અને ૧૦ મેથી પુણેની ભારતી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તથા તેમને  વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ગઈ કાલે સવારે તેમનું મોત નીપજ્યું હતું.

અત્યાર સુધીમાં પુણે પોલીસ સાથે જોડાયેલા લગભગ ૨૬ કર્મચારીઓની કોવિડ-19 ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે, જેમાંથી 14 સાજા થયા છે અને બેનાં મોત નીપજ્યાં છે. આ મહિનાની શરૂઆતમાં ૫૭ વર્ષના સહાયક સબ-ઇન્સ્પેક્ટરના મૃત્યુ પછી કૉન્સ્ટેબલનું મૃત્યુ પુણે પોલીસમાં બીજો કોરોનાનો શિકાર છે.

coronavirus covid19 nagpur pune maharashtra