Mumbai: 12 કલાક લાઇનમાં ઊભા રહ્યા પછી પણ નથી મળી રહી વૅક્સિન

03 August, 2021 05:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેટલાય લોકોને 12 કલાક રાહ જોયા પછી પણ ખાલી હાથે પાછા ફરવું પડ્યું. ત્યાં બેસવાની કોઈ વ્યવસ્થા નહોતી. એ લોકો વરસાદમાં પણ ઊભા રહ્યા.

તસવીર સૌજન્ય સતેજ શિંદે

કોરોના મહામારીની ત્રીજી લહેરની શક્યતા છતાં મુંબઇ સહિત આસપાસના બધા શહેરોમાં વૅક્સિનની અછત છે. વૅક્સિન માટે મોટાભાગની જગ્યાએ લાંબી લાઇનો લાગી રહી છે. કલાકો લાઇનમાં ઊભા રહ્યા છતાં કેટલાય લોકોને ઉદાસ થઈને વૅક્સિન લીધા વગર જ પાછા ફરવું પડે છે. શહેરના 80-90 ટકા વેક્સિનેશન કેન્દ્ર બંધ છે. જ્યાં વૅક્સિન મળે છે, ત્યાં પણ માત્ર 50-200 લોકોનું જ વૅક્સિનેશન થઈ રહ્યું છે. વૅક્સિનની અછતની હકીકત એનબીટી સંવાદદાતા અમિત તિવારીનો રિપૉર્ટ છે.

રાતે 9 વાગ્યાથી લાઇનમાં, તેમ છતાં વૅક્સિન નહીં
દહિસર પૂર્વના સંજય સાવ (32) એક મહિનાથી પહેલા ડૉઝ માટે પ્રયત્ન કરી રહ્યા છે. તે અને તેમના જેવા 25 લોકો રવિવારે રાતે 9 વાગ્યાથી બોરીવલી પશ્ચિમના પ્રબોધનકાર ઠાકરે નાટ્યમંદિર વેક્સિનેશન સેન્ટરમાં લાઈન લગાડીને ઊભા હતા. રાતે 12 વાગ્યે 15-20 લોકો ઉમેરાયા. સોમવારે સવારે 9.30 વાગ્યે તેમને બધાને ખબર પડી કે માત્ર 25 લોકોને જ વૅક્સિન મળશે.

"મારો વારો ક્યારે આવશે?"
બોરીવલી પશ્ચિમના એમસીએફ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં પણ અડધી રાતથી લોકો લાઈનમાં ઊભા રહી જાય છે. ત્યાં વૉલ્ટિયર ચંદ્રકાન્ત પટેલ જણાવે છે, "અમે સવારે 6 વાગ્યે 25 જણને ટોકન આપીને પાછા મોકલી દઈએ છીએ અને 10 વાગ્યાથી વેક્સિનેશન શરૂ કરીએ છીએ." બોરીવલી પશ્ચિમના જિગ્નેશ શાહ (55) બે મહિનાથી પહેલા ડૉઝની શોધમાં છે. તેઓ કહે છે, "ઑનલાઇન સ્લૉટ નથી મળતા. કેન્દ્ર પર જઈએ છીએ તો બધાં ઑફલાઇન સ્લૉટ બુક થયેલા હોય છે. પગમાં તકલીફ હોવાને કારણે વધારે વાર સુધી ઊભા નથી રહેવાતું. મારો વારો ક્યારે આવશે?"

4 મહિના પછી પણ બીજો ડૉઝ નહીં
દહિસર પૂર્વના સિવિક ટ્રેનિંગ એડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પર પરાગ શાહે (48) જણાવ્યું તે, "પહેલો ડૉઝ 1લી એપ્રિલના લીધો હતો. ચાર મહિના પછી પણ બીજો ડૉઝ નથી મળ્યો. આજે પણ નંબર નથી આવ્યો." રમેશ જ્ઞાનેશ્વર રંજીતે (48) પણ પહેલો ડૉઝ 103 દિવસ પહેલા લીધો હતો. નોંધનીય છે કે પહેલા ડૉઝના 84 દિવસ બાદ બીજો ડૉઝ લેવો જોઈએ. પણ અહીં તો 9 એપ્રિલના પહેલો ડૉઝ લીધા પછી આજે 3 ઑગસ્ટના પણ હજી સુધી બીજા ડૉઝ માટે વારો નથી આવતો...

Mumbai News Mumbai coronavirus covid vaccine covid19