બ્રિજ બંધ, પ્રૉબ્લેમ શરૂ

28 January, 2023 06:16 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુલુંડના બે ઈસ્ટ-વેસ્ટ ફુટ ઓવરબ્રિજનું સમારકામ એકસાથે હાથ ધરવામાં આવતાં લોકોએ કરવા પડે છે  ગિરદીથી વ્યસ્ત ટિકિટવાળા રેલવે બ્રિજનો ઉપયોગ : કોઈ જાતની આગોતરી નોટિસ આપ્યા વિના બ્રિજ બંધ  કરવામાં આવ્યા અને કામ પૂરું થવાની કોઈ સમયમર્યાદા પણ જાહેર ન કરી

મુલુંડ સ્ટેશનના બીએમસીના ફુટ ઓવરબ્રિજનું રિપેરિંગ ચાલી રહ્યું છે.


મુંબઈ : બીએમસીના અધિકારીઓએ મુલુંડમાં બે ઈસ્ટ-વેસ્ટ ફુટ ઓવરબ્રિજ (એફઓબી)નું સમારકામ એકસાથે હાથ ધરતાં સ્થાનિક લોકોને ભીડભર્યા ટિકિટવાળા રેલવે બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. 
મુલુંડના બે બ્રિજને ગઈ કાલે કોઈ પણ જાતની આગોતરી નોટિસ આપ્યા વિના જ સમારકામ માટે બંધ કરવામાં આવ્યા હતા તેમ જ એનું કામ પૂરું થવા માટેની કોઈ સમયમર્યાદા પણ જાહેર કરવામાં આવી નથી, જેને કારણે નાગરિકો અસહાય બની ગયા છે. આ બંને બ્રિજનો લોકો ભરપૂર ઉપયોગ કરતા હતા, જ્યારે સ્ટેશનના બ્રિજ પર ફેરિયાઓ નિયમિત અતિક્રમણ કરે છે. 
બીએમસીનો અપના બઝાર નજીકનો એફઓબી અને રેલવે સ્ટેશન નજીકનો એફઓબી બંનેનું સમારકામ એકસાથે એક સમયે કરવામાં આવતાં ઈસ્ટ-વેસ્ટ કનેક્ટિવિટી પર અસર જોવા મળી છે. શહેરના નાગરિકોને ટિકિટવાલા બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડે છે જે હંમેશાં મુસાફરોથી ભરેલો રહે છે એમ જયેશ હાથવે નામના એક દુકાનદારે કહ્યું હતું.
બ્રિજ બંધ થવાથી લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઈસ્ટમાંથી વેસ્ટમાં કે વેસ્ટમાંથી ઈસ્ટમાં જવા માટે રેલવે બ્રિજનો ઉપયોગ કરવા માગતા લોકોને એ માટે ઑટો કે બસનો ઉપયોગ કરવો પડે છે એમ અન્ય એક રહેવાસી મકરંદ ઘુગેએ કહ્યું હતું. 
વેસ્ટમાં રહેતાં અને ઈસ્ટમાં કામ કરતાં શિક્ષક ગાયત્રી વેન્કટેશને કહ્યું હતું કે ‘કનેક્ટિવિટી માટે ટિકિટવાળા ઈસ્ટ-વેસ્ટ બ્રિજનો ઉપયોગ કરવા દરેક વખતે ટિકિટ ન લઈ શકાય. તેથી જ આ બ્રિજનો ઉપયોગ કરવાનું ટાળવામાં આવે છે. રેલવેએ નાગરિકોની મદદ માટે બોર્ડ અને સાઇનેજ લગાવવાં જોઈએ.’ 
સુધરાઈના અધિકારીઓએ કહ્યું હતું કે રેલવેની ઉપરના એફઓબી સામાન્યપણે મધ્ય રેલવેની ટીમ દ્વારા કરવામાં આવે છે અને આ બંને બ્રિજને રિપેરિંગની જરૂર હતી. કામને ઝડપથી કરવા ‘મિડ-ડે’ આ બાબત સ્થાનિક વિધાનસભ્યો અને સંસદસભ્યોના ધ્યાન પર લાવ્યું હતું. 

આ પણ વાંચો:જો હવે ગૌશાળાના સ્થળાંતરની વાત થશે તો શાંતિથી આવેલા લોકો તીવ્ર વિરોધ કરશે

મુંબઈ નૉર્થ ઈસ્ટના સંસદસભ્ય મનોજ કોટકે કહ્યું હતું કે ‘મેં આ બાબતની નોંધ લીધી છે અને હું અધિકારીઓ સાથે આ બાબતે વાતચીત કરીશ. આ બાબત પ્રત્યેક માટે અગવડરૂપ છે. હું એ પણ પ્રશ્ન ઉઠાવીશ કે બંને બ્રિજને એકસાથે જનતા માટે બંધ કરવાની શી જરૂર હતી?’ 
મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમારકામ એક પછી એક હાથ ધરવામાં આવી શક્યું હોત. હું આ બાબતની તપાસ કરી રહ્યો છું.’ 
મધ્ય રેલવેના અધિકારીઓએ કહ્યું હતું કે અમે આગામી ૧૫ દિવસમાં બ્રિજ ખુલ્લો મૂકીશું. રેલવેએ ટિકિટ વિના પણ પ્રવાસીઓને બ્રિજનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. જોકે આ માટેનાં સાઇનેજ કે જાહેર અનાઉન્સમેન્ટ બોર્ડ ક્યાંય મૂકવામાં આવ્યાં નથી. 
મધ્ય રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે કહ્યું હતું કે ‘આ બંને બ્રિજ વહેલી તકે જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. બંને બ્રિજનું રિપેરિંગ જરૂરી હતું તેથી જ એમને બંધ કરવામાં આવ્યા હતા. ૧૫થી ૨૦ દિવસમાં આ બ્રિજ જનતા માટે ખુલ્લા મુકાશે.’ 

mumbai news mulund brihanmumbai municipal corporation