ગુઢી પાડવાની શોભાયાત્રામાં જોવા મળ્યો ચૂંટણીનો માહોલ

10 April, 2024 06:57 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

‌ગિરગામમાં યોજાયેલી આ શોભાયાત્રામાં ચૂંટણીના મહત્ત્વથી લઈને મતદાનના અધિકાર વિશે જાગૃતિ ફેલાવવામાં આવી

શોભા યાત્રા

હિન્દુ નવા વર્ષ ગુઢી પાડવા નિમિત્તે ગિરગામમાં યોજાયેલી ભવ્ય શોભાયાત્રા દરમ્યાન કેસરી રંગ છવાઈ ગયો હતો અને અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું. ગુઢી પાડવાના દિવસે વિવિધ સામાજિક સંસ્થાઓ આપણી ભારતીય સંસ્કૃતિને બતાવવાનો પ્રયાસ કરતી હોવાથી ગિરગામની શોભાયાત્રા ભારતભરમાં પ્રખ્યાત છે. ગઈ કાલે વહેલી સવારે શરૂ થયેલી શોભાયાત્રા ફડકે ગણેશ મંદિર, સિક્કાનગર, ગિરગામ ચર્ચ, ઠાકુરદ્વાર નાકા, ચીરાબજાર વગેરે વિસ્તારોને આવરી લે છે. ગિરગામની નાની ગલીઓમાં પરંપરાગત મરાઠી પોશાકમાં સજ્જ હજારો લોકો અને બાળકો રસ્તા પર દેખાય છે. ઢોલ-તાશા, બાઇકરૅલી અને જય ભવાનીના નારા સાથે ગુઢી પાડવાને ઊજવવામાં આવે છે અને મુંબઈના જ નહીં, વિદેશથી આવેલા લોકો પણ એ જોવા આવ્યા હતા. જોકે આ વખતે શોભાયાત્રામાં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો. એમાં અનેક ઝાંખીઓમાં મતદાન વિશે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.  

શોભાયાત્રામાં મહિલાઓ અને યુવતીઓએ એકથી એક ચડિયાતી પારંપરિક નવવારી સાડી અને નાકમાં નથ, હાથમાં બંગડીઓ પહેરી હતી; જ્યારે અનેક યુવકોએ ‌શ‌િવાજી મહારાજ જેવી વેશભૂષા ધારણ કરી હતી. શોભાયાત્રામાં બાઇક પર વેશભૂષા સાથે બાઇકરૅલી પણ યોજાઈ હતી. નાનાં ભૂલકાંઓમાંથી અમુક ઘોડા પર બેસીને ઝાંસી કી રાણી, શિવાજી મહારાજ, લોકમાન્ય ટિળક, કૃષ્ણ વગેરે બન્યાં હતાં. અમુક મંડળો દ્વારા સરસ ડાન્સ કરવામાં આવ્યો હતો તો અમુકે ભાલા અને તલવારથી કળા બતાવી હતી. યુવકો સાથે યુવતીઓ પણ જોરદાર ઢોલ વગાડી રહી હતી.  

ફૉરેનરો શોભાયાત્રા જોવા આવ્યા

મૉસ્કોથી ઍના નામની મહિલા શોભાયાત્રા જોવા આવી હતી. તેણે કહ્યું હતું કે ‘મેં શોભાયાત્રા વિશે ઘણું સાંભળ્યું છે, પરંતુ જાતઅનુભવ કર્યા બાદ શબ્દોમાં વ્યક્ત થાય નહીં એવો નજારો દેખાઈ રહ્યો હતો. દરેક ઠેકાણે રંગબેરંગી કલર સાથે ખૂબ હકારાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું અને ભારતના કલ્ચરની ઝલક પણ જોવા મળી હતી.’
બોરીવલી-ઈસ્ટના રતનનગરથી આવેલી પૂજા અને વૃષાલી ઉપાધ્યાયે કહ્યું હતું કે ‘આખું ભારત એક સ્થળે જોવા મળ્યું હોય એવું લાગતું હતું. આ શોભાયાત્રા એક ભારતીય હોવાનો અનુભવ કરાવે છે એટલે દરેકે એ ચોક્કસ જોવા જેવી છે. અમે પણ એને જોતા જ રહી ગયા હતા.’

મહાલક્ષ્મીમાં રહેતા દિનેશ જાધવે પત્ની મીનાને લગ્નની ઍનિવર્સરીની અનોખી ભેટ આપી હતી. દિનેશ જાધવે જણાવ્યું હતું કે ‘સોમવારે અમારાં લગ્નને ૪૮ વર્ષ પૂરાં થયાં હતાં. એથી ભેટરૂપે પત્નીએ આ શોભાયાત્રા સાથે જોવા આવવાની ભેટ માગી હતી. મીનાને શોભાયાત્રા જોવામાં ખૂબ આનંદ આવે છે અને તે દર વખતે આવતી હોય છે. આ વર્ષે હું પણ સાથે આવ્યો છું.’
ગિરગામમાં રહેતા સુરેશ ગો​સિયાર તેમની પૌત્રીને ગુઢી પાડવાની શોભાયાત્રા શું છે એ દેખાડવા લાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આપણી આગળની જનરેશનને ભારતીય સંસ્કૃતિથી જોડી રાખવા અહીં જરૂર લાવવી જોઈએ.

mumbai news mumbai gudi padwa festivals girgaon