હવે પાંઉભાજીની લારીવાળાએ કરી સિનિયર સિટિઝનની મારપીટ

21 September, 2021 02:19 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

થાણેની ઘટના હજી તાજી છે ત્યારે બિલ્ડિંગમાં પોતાની કાર લઈ જઈ રહેલા વરિષ્ઠ નાગરિકે પાંઉભાજીની ગાડીને ગેટની સાઇડ પર લગાડવાનું કહેતાં માર ખાવો પડ્યો

મીરા રોડમાં આ રીતે ફેરિયાઓ બેફામ બેસતા જોવા મળે છે

થાણે મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશનર કલ્પના પિંપળે સાથે ફેરિયાઓએ કરેલી હરકત હજી તો તાજી જ છે એવામાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર, તેમના છ સુરક્ષા રક્ષક, સુધરાઈની અતિક્રમણ વિરોધી ટીમની ઉપસ્થિતિમાં મીરા રોડમાં ‘નો ફેરીવાલા’ ક્ષેત્રમાં ૭૫ વર્ષના સિનિયર સિટિઝનને ગેરકાયદે બેસતા એક ફેરિયાએ મારપીટ કરી હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે આ બાબતે ગુનો દાખલ કરવાનો ઇનકાર કરી દીધો હોવાથી સુધરાઈ અને પોલીસ તંત્રનું ફેરીવાળાઓ સાથે કોઈ સેટિંગ તો નથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે.

મીરા રોડના શાંતિનગર સેક્ટર નંબર-૨માં છેલ્લાં ૩૪ વર્ષથી રહેતા ૭૫ વર્ષના રવીન્દ્ર રઘુવંશી શુક્રવારે દરરોજની જેમ પોતાની દિનચર્યા પ્રમાણે વસઈના કારખાનાથી તેમના ઘરના બિલ્ડિંગ પાસે કારથી પહોંચ્યા હતા ત્યારે બિલ્ડિંગના ગેટ પાસે જ પાંવભાજીની ગાડી લગાડેલી હતી. કાર ગેટમાંથી અંદર લાવવા માટે તેમણે કારમાંથી નીચે ઊતરીને પાંવભાજીની ગાડી લગાડનારા અનિલ સંતોષ સાહુને તેની ગાડી બાજુમાં કરવાની વિનંતી કરી હતી. એમાં અનિલને ગુસ્સો આવી ગયો અને તેણે એ કરવાનો ઇનકાર કરીને રવીન્દ્ર રઘુવંશીની મારપીટ કરવાની શરૂઆત કરી દીધી હતી. એટલું જ નહીં, લારી પર કાંદા કાપીને મૂકેલી થાળી તેમના મોઢા પર ફેંકીને મારી હતી. એ બાદ થાળી લઈને મારપીટ કરવા લાગ્યો હતો. સમય પર પરિસરના અન્ય રહેવાસીઓ આવ્યા અને સિનિયર સિટિઝનને બચાવી લીધો હતો. આ બનાવ બની રહ્યો હતો ત્યારે સુધરાઈના ડેપ્યુટી કમિશનર મારુતિ ગાયકવાડ, તેમના છ સુરક્ષા રક્ષક, અતિક્રમણ વિરોધી ટીમ ત્યાં હાજર હતી.

બનાવ વિશે વધુ માહિતી આપતાં રવીન્દ્ર રઘુવંશીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અનેક રહેવાસીએ મારુતિ ગાયકવાડને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી, પરંતુ તેઓ આ બાબતે દુર્લક્ષ કરીને સેક્ટર-૨ના શાંતિનગર ગણેશ મંડપમાં જતા રહ્યા હતા. રસ્તા પર ફેરીવાળાને ધંધો કરવાનો હક્ક છે, એવું ફેરિયો કહેવા લાગ્યો હતો. અંતે હું ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જવા માટે નીકળ્યો ત્યારે તે ફેરીવાળાએ મોટો બાંબુ મારા માથામાં મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અન્ય ફેરિયાઓએ તેને રોકી લીધો હતો.’

ફેરિયાઓની દાદાગીરી એટલી કેમ વધી ગઈ છે એ પ્રશ્ન બધાએ વિચારવા જેવો છે, એવું કહેતાં રવીન્દ્ર રઘુવંશીએ જણાવ્યું કે ‘હું ફરિયાદ કરવા નયા નગર પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે દોઢ કલાક સુધી મને બેસાડી રાખ્યો હતો. ફેરીવાળાનો આ વિષય મહાનગરપાલિકાનો હોવાનું કહીને તેમની પાસે ફરિયાદ કરવી એવું મને કહેવામાં આવ્યું હતું. એથી મેં તેમને કહ્યું કે મારપીટ આ વિષય કાયદા અને સુવ્યવસ્થામાં આવતો હોવાથી પોલીસ સ્ટેશનમાં આવ્યો છું. એના પરથી મને એવું કહ્યું કે ફેરીવાળાએ મારવા માટે હાથમાં બાંબુ લીધો હોવાનો ફોટો લઈને આવો. એ બાદ ગઈ કાલે પણ હું પોલીસને મળીને આવ્યો હતો. સુધરાઈ અને પોલીસ તંત્રના આવા વ્યવહારથી ફેરિયાઓ સાથે તેમનું સેટિંગ છે શું? અને ફેરિયાઓ સામે નાગરિકો કેટલા સુરક્ષિત છે એ પણ પ્રશ્નો ઊભા થાય છે. કમિશનર ઑફ પોલીસથી લઈને સુધરાઈના કમિશનર તમામને મેં ઑનલાઇન આ વિશે ફરિયાદ પણ કરી છે.’

પોલીસનું શું કહેવું છે?

નયા નગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જિનાલી સય્યદે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ વિશે મને જાણ નથી, પરંતુ તમે ફરિયાદીને ફરિયાદ લઈને મોકલો તો હું યોગ્ય રીતે તપાસ કરાવીને કાર્યવાહી કરાવીશ.’

mumbai mumbai news mira road thane preeti khuman-thakur