EDએ પત્રા ચાલ કેસમાં પ્રવીણ રાઉતની ૭૩ કરોડ રૂ​પિયાની પ્રૉપર્ટી જપ્ત કરી

25 April, 2024 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ રકમમાંથી તેમના નામે અને તેમની અન્ય કંપની પ્રથમેશ ડેવલપર્સના નામે જમીનો ખરીદવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ગોરેગામની પત્રા ચાલના રીડેવલપમેન્ટના બહુચર્ચિત કેસમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથના સંજય રાઉતના નજીકના સગા અને મેસર્સ ગુરુઆશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના પ્રવીણ રાઉતની પાલઘર, થાણે, રાયગડ અને દાપોલી જિલ્લામાં આવેલી ૭૩.૬૨ કરોડ રૂ​પિયાની પ્રૉપર્ટી પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ​રિંગ ઍક્ટ હેઠળ જપ્ત કરી છે. 
ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગે નોંધાવેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)ની તપાસ કરી રહેલી EDની તપાસમાં જણાઈ આવ્યું હતું કે મેસર્સ ગુરુઆશિષ કન્સ્ટ્રક્શન દ્વારા પત્રા ચાલ રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો. એ અંતર્ગત તેમણે ત્યાંના ૬૭૨ ભાડૂતોનું પુનર્વસન કરવાનું હતું, મ્હાડાને ફ્લૅટ તૈયાર કરી આપવાના હતા અને ત્યાર બાદ જે જમીન બચે એનું વેચાણ કરવાનું હતું. જોકે એમ ન કરતાં મેસર્સ ગુરુઆશિષ કન્સ્ટ્રક્શનના ​ડિરેક્ટરોએ મ્હાડાને ગેરમાર્ગે દોરીને ભાડૂતો માટેનું પુનર્વસનનું મકાન ન બનાવ્યું, મ્હાડાના ફ્લૅટ્સ પણ ન બનાવ્યા અને ૯ ડેવલપર્સને ત્યાંની ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) ૯૦૧.૭૯ કરોડ રૂપિયામાં વેચી નાખી હતી. તપાસમાં જણાઈ આવ્યું હતું કે આ રકમમાંથી ૯૫ કરોડ રૂ​પિયાની રકમ કંપનીના અકાઉન્ટમાંથી પ્રવીણ રાઉતના પર્સનલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. એ રકમમાંથી તેમના નામે અને તેમની અન્ય કંપની પ્રથમેશ ડેવલપર્સના નામે જમીનો ખરીદવામાં આવી હતી એટલું જ નહીં, એમાંની કેટલીક જમીન ત્યાર બાદ પ્રવીણ રાઉતે તેમના પરિવારના અન્ય સભ્યોને ગિફ્ટમાં આપી દીધી હતી.

mumbai news directorate of enforcement shiv sena uddhav thackeray