પારસધામ ઘાટકોપરના ભાવિકો માટે કલ્યાણકારી બન્યું આયંબિલ ઓળી પર્વ

19 April, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડીલો અને યુવાનો સાથે સેંકડો બાળકો આયંબિલ ઓળીની આરાધના કરીને ધન્ય બન્યાં

૧૬૦થી વધુ ભાવિકોએ સંપૂર્ણ આયંબિલ ઓળીની આરાધના કરવાની સાથે બહોળી સંખ્યામાં દરેક આયોજનમાં ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક લાભ લીધો હતો.

પારસધામ શ્રી સંઘના આંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબનાં સુશિષ્યા પૂજ્ય શ્રી પરમસમાધિજી મહાસતીજી આદિ ઠાણા-4ના સાંનિધ્યમાં ઊજવાયેલું આયંબિલ ઓળી પર્વ વડીલો અને યુવાનો માટે જ નહીં, નાનાં બાળકો માટે પણ આત્મકલ્યાણની પ્રેરણાનું પરમ પાથેય બની ગયું હતું.

૯ દિવસ સુધી સવારના સમયની અને રાતની બોધ પ્રવચનધારા સાથે વિશિષ્ટ કાર્યક્રમોના આયોજન દ્વારા પારસધામના આંગણે આ પર્વ સર્વ પ્રકારે દીપી ઊઠ્યું હતું. પર્વના છઠ્ઠા દિવસે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ અંતર્ગત બહોળી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને એકસાથે સમૂહ નવકાર મંત્રના જાપ કર્યા હતા.

પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકના શુભ દિવસે પ્રભુ મહાવીરના છદ્‍મસ્થપણાનાં ૧૦ સપનાં અને મોક્ષપ્રાપ્તિનાં ૧૪ સપનાં પર વિશેષ સમજ મળી હતી. સાંજે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, હિંગવાલા લેનથી પારસધામ સુધી સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજ્ય ડૉ. ડોલરબાઈ મહાસતીજી આદિ ઠાણા-5 હિંગવાલા સંઘથી પધાર્યાં હતાં.

સાંજે ૬.૩૦ વાગ્યે શરૂ થયેલી શોભાયાત્રામાં હિંગવાલા અને પારસધામનાં બાળકો ભગવાન મહાવીરના વિવિધ ભવોના પાત્રમાં ડ્રેસઅપ થઈને આવ્યાં હતાં. પારસધામ પહોંચીને બે વર્ષનાં બાળકોએ ‘વૉક વિથ મૉમ’ કાર્યક્રમ અંતર્ગત ભગવાન મહાવીરનાં ૧૪ સપનાં અને બાળમહાવીર બનીને સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યાર બાદ સૌએ ‘આર્ટ ઑફ પેરન્ટિંગ’ ડ્રામા માણ્યો હતો જેમાં લુક ઍન લર્નનાં બાળકો અને તેમના પેરન્ટ્સે ભાગ લીધો હતો.

બાળકો માટે વિશેષ આયોજન

સિદ્ધત્વ ઍરલાઇન્સ થીમ હેઠળ દરેક બાળકને બોર્ડિંગ પાસ અને પાસપોર્ટ આપવામાં આવ્યો હતો જેમાં દરરોજ આશરે ૨૫૦ બાળકો દર્શન માટે આવતાં અને અવનવી પ્રવૃત્તિઓ કરતાં હતાં. વિવિધ ગેમ રમતાં-રમતાં માનવતા, જતના અને મંત્રથી તેમને સંસ્કાર આપવામાં આવ્યા હતા. શિશુ દર્શનમાં દરરોજ ધાર્મિક સુડોકુમાં બહુ ઉત્સાહથી બાળકો ભાગ લેતાં. યુવાનો માટે વિશિષ્ટ પ્રશ્નોત્તરી સત્રનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

mumbai news mumbai jain community gujaratis of mumbai gujarati community news