ભાજપના ઈશારે પરમબીર સિંહે અનિલ દેશમુખને ફસાવ્યાઃ NCP નેતા નવાબ મલિક

09 September, 2021 08:36 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

નવાબ મલિકે જણાવ્યું હતું કે, એન્ટિલિયા કેસમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ભાજપના ઈશારે તત્કાલીન ગૃહપ્રધાન અનિલ દેશમુખને ફસાવવાનું કામ કર્યું છે.

નવાબ મલિક

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે, એન્ટિલિયા કેસમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ભાજપના ઈશારે તત્કાલીન ગૃહપ્રધાન અનિલ દેશમુખને ફસાવવાનું કામ કર્યું છે. મલિકે ગુરુવારે પ્રેસ સાથે વાત કરતા આ વાત કહી હતી. નવાબ મલિકે તાજેતરમાં એનઆઈએ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ચાર્જશીટથી એન્ટિલિયા કેસમાં પ્રશ્નાર્થ ઉભા થયા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ ચાર્જશીટમાં મુંબઈ પોલીસમાંથી બરતરફ કરાયેલા સચિન વઝેને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. આ ચાર્જશીટમાં ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના નામની ગેરહાજરી પર નવાબ મલિક આશ્ચર્ય વ્યક્ત કરતા કહે છે કે અમે પહેલા દિવસથી કહી રહ્યા હતા કે પરમબીર સિંહે તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પોતાને બચાવવા માટે આરોપ લગાવ્યો હતો.

સચિન વઝે તરફ ઈશારો કરતા નવાબ મલિકે જણાવ્યું કે, તત્કાલીન પોલીસ કમિશનર પરમબીર સિંહે આ કેસમાં મુખ્ય આરોપી હોય તેવી વ્યક્તિની નિમણૂક કરવાનું કામ કર્યું હતું. પરમબીર સિંહે એક ખાસ સેલ બનાવીને મુંબઈ શહેરની ક્રાઈમ બ્રાંચની સમગ્ર જવાબદારી વઝેને સોંપવાનું કામ પણ કર્યું હતું. એન્ટિલિયાની ઘટના બાદ પરમબીર સિંહે તે કેસની તપાસ એ જ અધિકારીને સોંપવાનું કામ પણ કર્યું હતું. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે પરમબીર સિંહે મંત્રી અને મુખ્યમંત્રીને ગેરમાર્ગે દોરવાનું કામ પણ કર્યું. જ્યારે મામલો મોટો થયો ત્યારે વઝે સાથે બંધ બારણે બેઠક યોજવાનું કામ પરમબીર સિંહે કર્યું હતું.

મલિકન વધુમાં જણાવે છે કે, ચાર્જશીટ દર્શાવે છે કે જે વ્યક્તિ કેસની તપાસ કરી રહેલા સાયબર નિષ્ણાતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યો છે તેને આરોપી બનાવવામાં આવી રહ્યો નથી. અમને પહેલા દિવસથી જ શંકા હતી કે આ સમગ્ર ષડયંત્રમાં પોલીસ કમિશનરની ભૂમિકા છે. પોતાને બચાવવા માટે પરમબીર સિંહે ભાજપના ઈશારે ગૃહમંત્રી પર આરોપ લગાવવાનું કામ કર્યું છે. 

નવાબ મલિકે ભાજપ પર કરેલા આ આરોપનો જવાબ આપતા મુંબઈ ભાજપના નેતા આશિષ શેલાર કહે છે કે એનઆઈએ તેનું કામ કરી રહી છે. જેઓ તેમની ચાર્જશીટ પર સવાલ ઉઠાવવા માંગે છે તેઓ કોર્ટમાં જઈ શકે છે, પરંતુ એનઆઈએની ચાર્જશીટ અંગે રાજનીતિ ન થવી જોઈએ.

mumbai mumbai news mumbai police nationalist congress party bharatiya janata party