મુંબઈ: કૉન્વોકેશનમાં અંગ્રેજી રોબને બાય બાય

24 October, 2019 09:23 AM IST  |  મુંબઈ | પલ્લવી સ્માર્ત

મુંબઈ: કૉન્વોકેશનમાં અંગ્રેજી રોબને બાય બાય

નવા કૉન્વોકેશન ડ્રેસ સાથે મુંબઈ યુનિવર્સિટીના કન્ટ્રોલર ઑફ એક્ઝામિનેશન વિનોદ પાટીલ.

ઘણી ચર્ચાઓ અને ડિબેટ કર્યા બાદ મુંબઈ યુનિવર્સિટીએ આખરે એના કૉન્વોકેશન ડ્રેસને ‘ભારતીય સ્વરૂપ’ આપ્યું છે. યુનિવર્સિટીએ છત્રપતિ શિવાજી મહારાજના સમયકાળમાં ધારણ કરવામાં આવતો હતો એવો કોટ જેવો પોષાક નક્કી કર્યો છે. તેની બૉર્ડર પર પૈઠણી ડિઝાઇન હશે, જ્યારે કૅપ ૧૯મી સદીના પરોપકારી મહાનુભાવ અને કેળવણીકાર જગન્નાથ (નાના) શંકર શેઠની પાઘડી પ્રકારની હશે.

નવી ડિઝાઇનને બુધવારે યોજાયેલી મૅનેજમેન્ટ કાઉન્સિલ (એમસી)ની બેઠક દરમિયાન માન્ય રાખવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં એમસીએ એનો આઇકોનિક બ્લૅક રોબ અને કૅપ બદલવાનો અને પોષાકને વધુ ભારતીય સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો હતો જેમાં મહારાષ્ટ્રીયન સંસ્કૃતિની છાંટ વર્તાય.

નવા ડ્રેસનું પ્રત્યેક પાસું અર્થપૂર્ણ પ્રતિનિધિત્વ ધરાવે છે, જે શૌર્યતા અને સૌંદર્યનું પ્રતીક હોવાનું યુનિવર્સિટીએ જણાવ્યું હતું, જ્યારે પાઘડી-કૅપ બુદ્ધિચાતુર્યની સ્તુતિ કરે છે.

આ પણ વાંચો : આવતી દિવાળીએ અંધેરી અને દહિસર મેટ્રો દોડતી થઈ જશે

નવો ડિઝાઇન કરવામાં આવેલો કૉન્વોકેશન ડ્રેસ આગામી કૉન્વોકેશન સમારોહ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવશે, જે આ વર્ષે નવેમ્બરમાં યોજાય એવી અપેક્ષા છે. આ પાછળનો વિચાર સ્થાનિક આબોહવાને સાનુકૂળ હોય એ પ્રકારનો પોષાક તૈયાર કરવાનો પણ હતો. ઉલ્લેખનીય છે કે આ પ્રદેશની આબોહવા સામાન્યપણે ભેજયુક્ત અને ગરમ હોય છે. આ નિર્ણય લગભગ એક વર્ષથી વિલંબિત હતો.

mumbai university pallavi smart mumbai news