શૉકિંગ : બે સગીર બહેનોને ફક્ત ૫૦૦ રૂપિયામાં વેચી દેવામાં આવી

22 September, 2022 09:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાલઘરના જવ્હાર જિલ્લાની ઘટનામાં પોલીસે પશુપાલનનો ધંધો કરનારા પાસેથી એક બહેનને છોડાવી, જ્યારે બીજી બહેનને શોધી રહી છે

વેચી દેવાયેલી સગીર બાળકીઓના પરિવાર સાથે શ્રમજીવી સંગઠનના પ્રતિનિધિઓ જવ્હાર પોલીસ સ્ટેશનમાં

મુંબઈ નજીકના પાલઘર જિલ્લાના જવ્હાર ખાતેના એક ગામની બે બહેનોને ૫૦૦ રૂપિયામાં વેચી દેવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પશુપાલનનું કામકાજ કરતા બે જણ આઠ અને છ વર્ષની બહેનોને કામકાજ કરવા માટે લઈ ગયા હતા. તેમણે બહેનોના પરિવારને વર્ષે ૧૨ હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું, પરંતુ તેમને માત્ર ૫૦૦ રૂપિયા જ આપ્યા હોવાથી પોલીસે આ મામલામાં સ્થાનિક સંસ્થાની મદદથી એક બહેનને છોડાવી છે, જ્યારે બીજીને શોધી રહી છે. ગરીબીને લીધે બાળકોને વેચી દેવાની ઘટનાથી આખા પરિસરમાં ખળભળાટ મચી ગયો છે.

પાલઘરની જવ્હાર પોલીસના જણાવ્યા મુજબ અહીંના એક ગામમાં ભોયે પરિવાર ખૂબ જ ગરીબ સ્થિતિમાં રહે છે. ત્રણ વર્ષ પહેલાં અહમદનગરમાં રહીને ઘેટાં-બકરાંના પાલનનો વ્યવસાય કરતા બે જણ આ પરિવારને મળ્યા હતા અને આઠ અને છ વર્ષની બે બહેનોને વર્ષે ૧૨ હજાર રૂપિયા આપવાનું કહીને પોતાની સાથે લઈ ગયા હતા. બહેનોના પરિવારને તેમણે ૫૦૦ રૂપિયા આપ્યા હતા અને દર વર્ષે હિસાબ કરવાનું કહીને આ બહેનો પાસે બાળમજૂરી કરાવી હતી.

ત્રણ વર્ષમાં પશુપાલન કરતા પરિવારોએ સગીર બહેનોનાં માતા-પિતાને ૧૨ હજાર રૂપિયાને બદલે ૫૦૦ રૂપિયા જ આપ્યા હોવાની જાણ થતાં શ્રમજીવી સંસ્થાએ જવ્હાર પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળમજૂરી અને એ સંબંધિત કલમો લગાવીને સગીર બહેનોને લઈ જનારાઓ સામે ફરિયાદ નોંધી હતી.

પોલીસે અહમદનગરમાં તપાસ કરતાં આઠ વર્ષની સગીર બહેન મળી આવી હતી. તેણે પોલીસને કહ્યું હતું કે તેની પાસે ત્રણ વર્ષથી બાળમજૂરી કરવાની સાથે ઘેટાંઓને સાફ રાખવા સહિતનાં કામ કરાવાતાં હતાં. ૧૨ હજારને બદલે માત્ર ૫૦૦ રૂપિયા વર્ષે તેનાં માતા-પિતાને આપવામાં આવ્યા હતા. પોલીસે સગીર બાળકીને પોતાની સાથે લઈ જનારા અહમદનગરના એક જણની ધરપકડ કરી હતી. આ સગીરની બીજી બહેન બીજા પરિવાર પાસે છે, જેની તપાસ પોલીસ કરી રહી છે.

જવ્હાર પોલીસ સ્ટેશનના ડ્યુટી ઑફિસર અને શ્રમજીવી સંગઠનના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે ‘પાલઘરમાં આવેલા ગામમાં ગરીબ આદિવાસી પરિવારો રહે છે. તેમની આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ હોય છે કે તેઓ મામૂલી રકમના બદલામાં પોતાનાં સંતાનોને વેચી દેવા મજબૂર થઈ જાય છે. આ મામલો પણ બે સગીર દીકરીઓને વેચીને આવક કરવાનો છે. આ પરિવાર અશિક્ષિત છે એટલે એનો ફાયદો આરોપીઓએ ઉઠાવ્યો છે. જવ્હાર, મોખાડા અને વિક્રમગઢ જેવા અત્યંત દુર્ગમ ભાગમાં રહેતા આદિવાસી પરિવારો આવી છેતરપિંડીનો ભોગ બને છે.’

mumbai mumbai news Crime News mumbai crime news palghar