ઓવર-કૉન્ફિડન્સ ચોરોને ભારે પડ્યો

02 October, 2022 09:27 AM IST  |  Mumbai | Rohit Parikh

જ્વેલરના શોરૂમમાંથી ૪૬ લાખ રૂપિયાનાં સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ રકમ લૂંટીને રાજસ્થાનના એક ગામની હોટેલમાં છુપાઈ ગયેલા ચોરોને તેમને પકડવા આવેલી મુંબઈ પોલીસ પાછી જતી રહી છે એવી ખબર પડી એટલે ફોન ચાલુ કર્યો અને પકડાઈ ગયા

શોરૂમનો ભૂતપૂર્વ કર્મચારી ભેરુસિંહ અને તેનો સાથીદાર ભરતસિંહ

ઘાટકોપર-વેસ્ટના ચોવીસ કલાક ધમધમતા વિસ્તાર મહાત્મા ગાંધી રોડ પર આવેલા પી. બી. જ્વેલર્સના શોરૂમમાંથી ૨૦ સપ્ટેમ્બરે મધરાતે ૪૬,૧૦,૦૦૦ રૂપિયાનાં સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ રકમ લૂંટીને રાજસ્થાનમાં આવેલા રાજસમંદ જિલ્લાના તેમના નાનકડા ગામમાં ભાગીને હોટેલમાં છુપાઈ ગયેલા શોરૂમના ભૂતપૂર્વ કર્મચારી ભેરુસિંહ દસાના (૨૩ વર્ષ) અને તેના સાથીદાર ભરતસિંહ જલમસિંહ (૨૫ વર્ષ)ની ૧૯૨ ગ્રામ સોનાનાં ઘરેણાં અને ૧૬.૦૮૫ કિલો ચાંદી સાથે ધરપકડ કરવામાં ઘાટકોપર પોલીસને સફળતા મળી હતી. આ બન્ને આરોપીઓએ ઘાટકોપરમાં લૂંટ કર્યા પછી એક અઠવાડિયા સુધી તેમના ફોન સ્વિચ્ડ-ઑફ રાખ્યા હતા. જેવી તેમને ખબર પડી કે ઘાટકોપર પોલીસ રાજસ્થાનના તેમના ગામથી પાછી મુંબઈ ફરી રહી છે કે તરત જ એમાંથી એક આરોપીએ તેનો ફોન સ્વિચ-ઑન કરતાં મુંબઈ ખાલી હાથે પાછી ફરી રહેલી ઘાટકોપર પોલીસના સકંજામાં બન્ને આરોપીઓ આવી ગયા હતા. કોર્ટે અત્યારે બન્ને આરોપીઓને ૧૨ દિવસની પોલીસ-કસ્ટડી આપી છે. 

આરોપીઓ શોરૂમના જાણભેદુ હોવાથી તેમણે લૂંટનો આખો પ્લાન બહુ હોશિયારીથી બનાવ્યો હતો એમ જણાવતાં ઝોન-૭ના ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રશાંત કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ને આરોપીમાંથી રાજસ્થાનના નાના ગામડાના રહેવાસી ભેરુસિંહ દસાનાએ પી. બી. જ્વેલર્સના શોરૂમમાં ૨૦૨૦થી ૨૦૨૧ દરમ્યાન થોડાક મહિના નોકરી કરી હતી. શોરૂમમાં ચોરી કરતાં તેને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો હતો. તેને દુકાનના શોરૂમના પાછળના ભાગથી ક્યાંથી શોરૂમમાં આવી શકાય એની ખબર હતી. પાછળની બારીની ગ્રિલ કમજોર છે, સીસીટીવી કૅમેરા ક્યાં લગાવેલા છે, તેનો માલિક રાતે શોરૂમ બંધ કરતી વખતે ક્યાં અને કેવી રીતે સોના-ચાંદીનાં ઘરેણાં મૂકે છે આ બધી જ જાણકારી ભેરુસિંહને હતી. આથી તેણે અને તેના સાથીદાર ભરતસિંહે શોરૂમની રેકી કરીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો. તેમણે પહેલા માળેથી મેડામાં આવીને એક તૂટેલી બારીમાંથી શોરૂમમાં પ્રવેશ કર્યો હતો. સૌથી પહેલાં તેમણે શોરૂમના સીસીટીવી કૅમેરા બંધ કરી દીધા હતા. ત્યાર બાદ તેણે તેની જાણકારી મુજબ ૯૦૦ ગ્રામ સોનાનાં અને ૫૦ કિલો ચાંદીનાં ઘરેણાં તેમ જ સાડાત્રણ લાખ રૂપિયાની લૂંટ કરીને જે રીતે પાછળના ભાગમાંથી શોરૂમમાં આવ્યા હતા એ જ રીતે ત્યાંથી મોટરબાઇક પર રફુચક્કર થઈ ગયા હતા. બીજા દિવસે તેઓ પ્રાઇવેટ વૉલ્વો બસમાં તેમના ગામમાં પહોંચી ગયા હતા. જોકે પકડાઈ જશે એ ડરથી તેઓ ઘરે જવાને બદલે રાજસ્થાનની અલગ-અલગ હોટેલો અને મંદિરોમાં રહેતા હતા.

અમને શોરૂમના બિલ્ડિંગની આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં બન્ને આરોપીઓ જોવા મળ્યા હતા એમ જણાવીને ઘાટકોપર ડિટેક્શન બ્રાન્ચના પોલીસ અધિકારી પ્રમોદ કોકાટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બેમાંથી એક આરોપી ભેરુસિંહને શોરૂમના માલિકે ઓળખી લીધો હતો. તરત જ અમે આરોપીઓને પકડવા માટે અમારી ત્રણ ટીમને કામે લગાડી હતી. તેમના ફોનને ટ્રેસ કરતાં અમને ભેરુસિંહના લોકેશનની ખબર પડી હતી કે તે રાજસ્થાન તરફ જઈ રહ્યો છે. એટલે અમારી ટીમ તરત જ રાજસ્થાન રવાના થઈ હતી. એક અઠવાડિયા સુધી અમારી ટીમે આરોપીઓ જે ગામના હતા એ ગામના ગામવાસીઓ, તેમના સરપંચ અને રાજસ્થાન પોલીસના સાથસહકારથી આરોપીઓને શોધવા જહેમત ઉઠાવી હતી. આરોપીઓ લૂંટ કર્યા પછી જે લોકોના સંપર્કમાં હતા તેમણે અમને કહ્યું કે અમને એટલી ખબર છે કે તેઓ કંઈક ખોટું કરીને રાજસ્થાનમાં આવ્યા છે, પણ અમને તેઓ ક્યાં છે અને શું ખોટું કર્યું છે એની ખબર નથી. બન્ને આરોપીના પરિવારજનોએ પણ આ જ વાત કરી હતી. આરોપી અમારી ટીમને હાથતાળી આપી રહ્યા હતા એટલે છેલ્લે અમારી ટીમે મુંબઈ પાછા ફરવાનો નિર્ણય લીધો હતો અને એ ગામમાંથી નીકળી ગઈ હતી.’

અમારી ટીમ હજી ગામમાંથી નીકળીને ત્રણ કિલોમીટર દૂર પહોંચી નહોતી ત્યાં જ એક આરોપીએ તેનો ફોન સ્વિચ-ઑન કર્યો હોવાના અમારી ટીમને સમાચાર મળ્યા હતા એમ જણાવીને પ્રમોદ કોકાટેએ કહ્યું હતું કે ‘આ સમાચાર મળતાં જ ફરીથી ફોન ટ્રેસ કરીને અમારી ટીમે લોકેશન ચેક કરતાં એ ત્યાંની એક હોટેલનું બતાવતું હતું. તરત અમારી ટીમ મુંબઈ પાછા ફરવાને બદલે એ હોટેલમાં પહોંચી હતી. હોટેલમાંથી ઘાટકોપર પોલીસની ટીમે શોરૂમના ભૂતપૂર્વ કર્મચારી ભેરુસિંહ દસાના અને તેના સાથીદાર ભરતસિંહ જલમસિંહની માલમતા સાથે ધરપકડ કરી હતી. આ પહેલાં તેઓ ઉદયપુર, સુખેર હોટેલ અને અલગ-અલગ ગામનાં મંદિરોમાં જઈને છુપાઈ જતા હતા. જોકે રાજસ્થાનની પોલીસના સહકારથી અમે બન્ને આરોપીની ધરપકડ કરીને તેમને મુંબઈ પાછા લઈ આવ્યા હતા. કોર્ટમાં તેમને રજૂ કરતાં કોર્ટે તેમને ૧૨ દિવસની પોલીસ-કસ્ટડી આપી છે. અમે હજી વધુ તપાસ કરી રહ્યા છીએ.’

Mumbai mumbai news Rohit Parikh