બેસ્ટની નવી ૩૦૦૦ એસી બસમાંથી ૫૦૦ બસ માત્ર મહિલાઓ માટે

14 March, 2023 10:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિંગલ ડેકર અને મોટી બસ હશે, જેથી મહિલાઓ એમાં સુરક્ષિત અને આરામદાયક પ્રવાસ કરી શકશે

ફાઇલ તસવીર

રોજ ૩૭ લાખ મુંબઈગરા બેસ્ટની બસમાં મુસાફરી કરે છે, જેમાં ૩૦થી ૩૩ ટકા મહિલાઓ હોય છે. આ મહિલાઓને પીક-અવર્સમાં બેસ્ટમાં મુસાફરી કરતી વખતે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વર્ષે બેસ્ટના કાફલામાં ૩૦૦૦ એસી બસ સામેલ થવાની છે, જેમાંથી ૫૦૦ એસી બસ માત્ર મહિલાઓ માટે જ અનામત રાખવામાં આવશે એવો નિર્ણય બેસ્ટ દ્વારા લેવાયો છે એમ બેસ્ટના જનરલ મૅનેજર લોકેશચંદ્રએ જણાવ્યું હતું. આ સિંગલ ડેકર અને મોટી બસ હશે, જેથી મહિલાઓ એમાં સુરક્ષિત અને આરામદાયક પ્રવાસ કરી શકશે એમ તેમણે વધુમા જણાવ્યું હતું.

ખાસ કરીને પીક-અવર્સમાં સવારે ઑફિસ જતી વખતે અને સાંજે ઑફિસથી આવતી વખતે લાંબી લાઇનમાં ઊભા રહ્યા પછી પણ બસમાં ઘણી વાર ઊભાં-ઊભાં પ્રવાસ કરવો પડે છે, એમાં એક હાથમાં પર્સ અથવા થેલી અને બીજા હાથથી બસનું હૅન્ડલ અથવા રૉડ પકડવાનો તેમ જ આજુબાજુની ગિરદીથી પોતાને બચાવી સુરક્ષિત પ્રવાસ કરવો એ મહિલાઓ માટે ખરેખર મુશ્કેલ બાબત હોય છે. બેસ્ટ દ્વારા આ પહેલાં પણ તેમની એ મુશ્કેલી ઓછી કરવા પ્રયાસ થયા છે અને નૉર્મલ બસને જ સ્પેશ્યલ લેડીઝ બસ તરીકે દોડાવવામાં આવે છે, જેની દિવસની ૨૯૪ સર્વિસ છે. એ સિવાય ‘તેજ​સ્વિની’ બસ પણ શરૂ કરવામાં આવી છે. હાલમાં બેસ્ટના કાફલામાં ૧૩૬ તેજ​સ્વિની બસ છે.

બેસ્ટનો ટાર્ગેટ છે કે બસનો ટોટલ કાફલો ૧૦,૦૦૦ સુધી પહોંચાડી દેવો. એ સિવાય બધી બસ એસી દોડાવવી. આ વર્ષે એમાં ૩૦૦૦ નવી એસી બસ જોડાવાની છે, જેમાંથી મહિલાઓ માટે ૫૦૦ બસ અનામત રાખવામાં આવશે, જેથી તેઓ પણ આરામદાયક મુસાફરી કરી શકે. 

mumbai mumbai news brihanmumbai electricity supply and transport