અમારી સરકાર ખાલી પેકેજની ઘોષણા કરનારી નથી : ઉદ્ધવ ઠાકરે

25 May, 2020 08:22 AM IST  |  Mumbai | Agencies

અમારી સરકાર ખાલી પેકેજની ઘોષણા કરનારી નથી : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

કોરોના વાઇરસના રોગચાળાને કારણે લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય ઉતાવળે લેવાયો હોવાનું મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. મુખ્ય પ્રધાને ગઈકાલે ટેલિવિઝન દ્વારા પ્રસારિત એક સંદેશમાં જણાવ્યું હતું કે લોકડાઉનની જાહેરાત અચાનક કરવામાં આવી હોવાથી એક ઝાટકે પાછો ખેંચીએ તો લોકોને બમણો આંચકો લાગવાની શક્યતા છે. ચોમાસામાં વધુ સાવધ રહેવાની તાકીદ મુખ્ય પ્રધાને કરી હતી. વિપક્ષની રાજ્ય સરકાર દ્વારા વિશેષ પેકેજની ઘોષણા કરવામાં નથી આવી એ વિશેની ટીકાનો જવાબ આપતા એમણે કહ્યું હતું કે અત્યાર સુધી ઘણાં બધા પેકેજની ઘોષણા કરવામાં આવી છે પરંતુ આ બધા પેકેજ માત્ર બહારથી જ સારા દેખાતા હોય છે. અંદર કંઈ હોતું નથી. અમારી સરકાર આવી ખાલી પેકેજની ઘોષણા કરનારી નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ ૨૪ માર્ચે કોરોના ઇન્ફેક્શન ફેલાતું રોકવા માટે લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારપછી કોવિડ-19ના કેસીસ વધતા જતાં લોકડાઉનની મુદત પણ લંબાવાતી હતી. હાલમાં ચાલતો લોકડાઉનનો ચોથો તબક્કો ૩૧ મેએ પૂરો થશે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘રોગચાળાના પ્રતિકારમાં કેન્દ્ર સરકાર તરફથી ખાસ કોઈ સહાય કે પીઠબળ પ્રાપ્ત થયા નથી. પરંતુ હું રાજકીય કાદવ ઉછાળવાનો નથી. ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સમાં રાજ્ય સરકારનો હિસ્સો હજુ મહારાષ્ટ્ર સરકારને પ્રાપ્ત થયો નથી. પરપ્રાંતીય શ્રમિકોને એમના વતનમાં મોકલવાની ટિકિટોના ખર્ચમાં કેન્દ્ર સરકારનો હિસ્સો હજુ મળ્યો નથી. અગાઉ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વીપમેન્ટ(PPE) કિટ્સ તથા અન્ય સાધનોની તંગી હતી. દવાઓની અછત તો હજુ પણ છે.

uddhav thackeray mumbai mumbai news coronavirus covid19 lockdown