બૂસ્ટરને નથી મળી રહ્યું બૂસ્ટ

18 January, 2022 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટી સંખ્યામાં સિનિયર સિટિઝનો કોવિડ પૉઝિટિવ આવતાં અને ઘણા ફ્રન્ટલાઇન-વર્કરોએ પહેલાંથી જ રસી લઈ લીધી હોવાથી અઠવાડિયામાં ૩૮ ટકા લાભાર્થીઓએ જ લીધો ત્રીજો ડોઝ

નાયર હૉસ્પિટલમાં ૧૫ જાન્યુઆરીએ હેલ્થકૅર-વર્કર્સને બૂસ્ટર ડોઝ અપાઈ રહ્યો છે

દેશમાં દસમી જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ ત્યારથી મહારાષ્ટ્રમાં પહેલા અઠવાડિયે લગભગ ૩૮ ટકા લાભાર્થીઓએ બૂસ્ટર ડોઝ લીધો હતો. બીજી તરફ નિષ્ણાતો આ પ્રતિભાવને મોળો ગણાવી રહ્યા છે.
કોવિન પોર્ટલ અનુસાર સોમવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ૩,૪૦,૩૫૫ વ્યક્તિઓને બૂસ્ટર ડોઝ અપાયો હતો, જેમાંથી ૮૪,૩૬૩ વ્યક્તિઓ મુંબઈની અને ૩૨,૬૨૯ થાણેની હતી.
સરકારી આંકડા અનુસાર રાજ્યમાં નવ લાખ સિનિયર સિટિઝન્સ, હેલ્થકૅર અને ફ્રન્ટલાઇન-વર્કર્સ બૂસ્ટર ડોઝ માટે યોગ્યતા ધરાવે છે.
અધિકારીઓએ બૂસ્ટર ડોઝ લેનાર લાભાર્થીઓનો આંકડો ઉપર જઈ શક્યો હોત એવી શક્યતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘ત્રીજી લહેરમાં મોટા ભાગના સિનિયર સિટિઝન્સ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે ઘણા હેલ્થકૅર અને ફ્રન્ટલાઇન-વર્કર્સે બિનસત્તાવાર રીતે ત્રીજો ડોઝ લઈ લીધો છે.’
સાયનના રહેવાસી ૬૮ વર્ષના શ્રીજીત ચેટરજીએ જણાવ્યું હતું, ‘મારી પત્ની અને હું ૧૧ જાન્યુઆરીએ બૂસ્ટર ડોઝ લેવાનાં હતાં ત્યારે જ મને તાવ આવ્યો અને મને કોરોના થયો.’ 
હવે આ દંપતી ત્રણ મહિના પછી બૂસ્ટર લેશે.
જ્યારે પીડી હિન્દુજા હૉસ્પિટલના સીઓઓ જૉય ચક્રવર્તીએ જણાવ્યું હતું કે ‘બૂસ્ટર ડોઝ લેવા આવનારા લાભાર્થીઓની સંખ્યા ધાર્યા કરતાં ઓછી છે. આગામી બે અઠવાડિયાંમાં સંખ્યા વધવાની અપેક્ષા છે. કેટલાક લોકો ક્વૉરન્ટીન છે, કેટલાક પૉઝિટિવ આવ્યા છે અને હવે તેમણે ડોઝ લેવા ૮૪ દિવસની રાહ જોવી પડશે.’
રાજ્ય કોવિડ ટાસ્ક ફોર્સના એક સભ્યએ જણાવ્યું હતું કે ‘વ્યક્તિની ટેસ્ટ પૉઝિટિવ આવે તો બૂસ્ટર ડોઝ લેવા માટેની યોગ્યતાનો સમયગાળો ઘટાડવાની જરૂર છે. આપણે ૩૦ દિવસ પછી તેમને બૂસ્ટર ડોઝ લેવાની છૂટ આપવી જોઈએ. બૂસ્ટર ડોઝ લેવા માટેના દિવસોની સંખ્યાની સમીક્ષા કરવી જરૂરી છે.’ 

coronavirus covid19 mumbai mumbai news vaccination drive covid vaccine