મુંબઈમાં અડધી ટેસ્ટ, અડધા કેસ :જોકે પૉઝિટિવિટીની ટકાવારી યથાવત

04 May, 2021 09:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શહેરમાં ગઈ કાલે કોરોનાના નવા ૨૬૬૨ કેસ જ નોંધાયા, પણ ટેસ્ટની સંખ્યા અડધી થઈ ગઈ છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ગઈ કાલે કોરોનાના નવા ૨,૬૬૨ કેસ નોંધાયા હતા, જે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી સૌથી ઓછા છે. જોકે જ્યાં છેલ્લા કેટલાક સમયથી દરરોજ ૪૦થી ૫૦ હજાર ટેસ્ટ થતી હતી એની સામે ગયા અઠવાડિયે ૩૦ હજાર અને ગઈ કાલે માત્ર ૨૩,૫૪૨ ટેસ્ટ કરાઈ હતી. આટલી ટેસ્ટમાં ૨,૬૬૨ કેસ નોંધાતાં પૉઝિટિવિટીની ટકાવારી ૧૦.૩૦ રહી હતી. આથી એવું જરાય ન કહી શકાય કે મુંબઈમાં કોરોનાના કેસ ઘટ્યા છે. હા, ૩ એપ્રિલે નોંધાયેલી કુલ ટેસ્ટમાંથી ૨૨.૫૫ ટકા પૉઝિટિવિટી કરતાં આ આંકડો ચોક્કસ નીચો છે.

મુંબઈમાં ગઈ કાલે ૨,૬૬૨ નવા કેસ નોંધાવાની સામે ૫૭૪૬ લોકો રિકવર થયા હતા. આથી હવે શહેરમાં ઍક્ટિવ કેસની સંખ્યા ૫૪,૧૪૩ થઈ હતી. ગઈ કાલે વધુ ૭૮ લોકોનો કોરોનાવાઇરસે જીવ લેવાની સાથે મુંબઈનો આ મહામારીનો કુલ મૃત્યાંક ૧૩,૪૦૮ થયો હતો. અત્યાર સુધી મુંબઈમાં કોરોનાના કુલ ૬,૫૮,૮૬૬ કેસ નોંધાયા છે, જેમાંથી ૫,૮૯,૬૧૯ લોકો રિકવર થયા છે.

મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે કોરોનાના નવા કેસનો આંકડો ભલે ઓછો દેખાઈ રહ્યો છે, પરંતુ લોકોએ હજી પણ કેટલાક દિવસો સુધી સાવધ રહેવું. કોરોનાવાઇરસની ચેઇન બ્રેક થશે તો જ આ મહામારીમાંથી બહાર આવીશું.

કોરોનાના કેસની સંખ્યા ઘટે તો પણ ટેસ્ટિંગનું પ્રમાણ જાળવો 

શહેરમાં કોરોનાના દૈનિક કેસો ૩,૦૦૦ કરતાં વધુના આંક પર સ્થિર થઈ ગયા છે, પણ ટેસ્ટની ઓછી સંખ્યા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) માટે ચિંતાનો વિષય છે. આ સ્થિતિમાં સુધરાઈના કમિશનર ઇકબાલ સિંહ ચહલે નાગરિકોને શહેરમાં ટેસ્ટ ચાલુ રહે એ સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે. રવિવારે માંડ ૨૮,૦૦૦ ટેસ્ટ હાથ ધરાઈ હતી. સઘન ટેસ્ટિંગની પૉલિસીને પગલે પૉઝિટિવિટી રેટમાં ઘટાડો નોંધાયો છે. સૂત્રોની વાત સાચી માનીએ તો નિષ્ણાતોએ બીએમસીને શહેરમાં કેસોની સંખ્યા ઘટે અને વધે નહીં તો પણ ટેસ્ટિંગનો ઊંચો દર જાળવી રાખવાની સલાહ આપી છે.

એપ્રિલમાં સરેરાશ દૈનિક ટેસ્ટિંગ આશરે ૪૪,૦૦૦ હતું. છેલ્લા કેટલાક દિવસોમાં ટેસ્ટિંગના આંકડા ૫૦,૦૦૦થી ઘટીને રવિવારે ૨૮,૦૦૦ પર પહોંચી ગયા હોવાનું જોવા મળ્યું હતું. વીક-એન્ડમાં આ આંક વધુ ઘટે એવી શક્યતા છે.

ચહલે જણાવ્યું હતું કે ‘હું શહેરના અગ્રણી નાગરિકોને આગળ આવવાની અને કોવિડ ટેસ્ટિંગ વધારવા માટે ટેસ્ટ કરાવવાની વિનંતી કરું છું. એનાથી ટેસ્ટ પૉઝિટિવિટી રેશિયો પર પણ નજર રહેશે જે ૧૦ ટકા કરતાં નીચો છે એ સુનિશ્ચિત કરી શકાશે. આ રેશિયો પાંચ ટકાથી નીચે પહોંચાડવાનો ઉદ્દેશ છે.’

mumbai mumbai news coronavirus covid19 brihanmumbai municipal corporation