મુંબઈમાં માત્ર એક ટકો આઇસીયુ બેડ ઉપલબ્ધ

30 May, 2020 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં માત્ર એક ટકો આઇસીયુ બેડ ઉપલબ્ધ

પ્રતિકાત્મક તસવીર

મુંબઈમાં કોરોના ઇન્ફેક્શનના દરદીઓની સંખ્યામાં વૃદ્ધિ ઉપરાંત હૉસ્પિટલો અને અન્ય તબીબી સુવિધાઓની ટંચાઈનો પણ મોટો પ્રશ્ન ઊભો છે. મુંબઈ મહાનગરપાલિકાના આંકડા અનુસાર ૯૯ ટકા આઇસીયુ બેડ અને ૭૭ ટકા વેન્ટિલેટર્સ વપરાશમાં છે. કોરોનાનો ઉપચાર કરતી હૉસ્પિટલોની ઑક્યુપન્સી ૯૬ ટકા ફુલ હોવાથી એ હૉસ્પિટલોમાં ફક્ત ૪ ટકા બેડ બચ્યા છે. કોરોના કૅર સેન્ટર્સ અને ક્વૉરન્ટીન ફેસિલિટીઝ માટે જગ્યા ઓછી પડતી હતી. એવામાં દરદીઓની સંખ્યા વધતી હોવાથી અને ચોમાસું નજીક આવવાને કારણે મુશ્કેલી વધી હતી. તાજેતરમાં  ક્વૉરન્ટીન ફેસિલિટી માટે હાજીઅલી સ્થિત વિલિંગ્ડન ક્લબ અને બાંદરા (પૂર્વ)ના મુંબઈ મેટ્રોપોલિટન અને રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી(એમએમઆરડીએ)ના મેદાન સહિત ખાનગી અને સરકારી-સાર્વજનિક માલિકીનાં અનેક સ્થળો પર વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

ગુરુવારે એક દિવસમાં કોરોના ઇન્ફેક્શનના ૧૪૩૮ નવા દરદીઓ મળતાં રોગચાળાના કુલ દરદીઓનો આંકડો ૩૫,૦૦૦ને પાર કરી ગયો હતો. તે ઉપરાંત ૨૪ કલાકમાં કોરોનાના ૩૮ દરદીઓ મૃત્યુ પામ્યા હતા. ચોવીસ કલાકમાં ૭૬૩ દરદીઓ કોરોનામુક્ત થતાં સાજા થયેલા દરદીઓની કુલ સંખ્યા ૯૮૧૭ ઉપર પહોંચી છે. મુંબઈ મહાનગરપાલિકાના કોરોનાના દરદીઓની સારવારમાં અગ્રેસર રહેતા ૧૫૨૯ ફ્રન્ટલાઇન કર્મચારીઓને કોરોના ઇન્ફેક્શન લાગ્યું છે. એ કર્મચારીઓમાંથી ૨૫ જણ મૃત્યુ પામ્યા છે. પર્સનલ પ્રોટેક્શન કિટ (પીપીઈ કિટ) તથા અન્ય સુવિધાઓની પણ ટંચાઈને કારણે મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓ પર રોગચાળાનો ચેપ લાગવાનું જોખમ હંમેશાં તોળાયેલું રહે છે.

મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં કોવિડ-૧૯ની ટેસ્ટિંગ સુવિધાઓ ઊભી કરવી વ્યવહારુ દૃષ્ટિએ સંભવ નથી.

ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા તથા જસ્ટિસ કે. કે. તાતેડની ડિવિઝન બેન્ચ સમક્ષ એક નોંધ સુપરત કરતાં સરકારે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં રાજ્યમાં ૭૨ ટેસ્ટિંગ કેન્દ્રો આવેલાં છે. શરૂઆતમાં જ્યારે મહામારી શરૂ થઈ હતી ત્યારે નાગપુર, મુંબઈ અને પુણેમાં એક-એક કેન્દ્ર આવેલાં હતાં.

ટેસ્ટિંગ લૅબની સંખ્યા વધીને હવે ૭૨ થઈ છે, જેમાંથી ૪૨ સરકારી હૉસ્પિટલમાં અને ૩૩ ખાનગી કેન્દ્રોમાં હોવાનું સરકારી વકીલ મનીષ પાબલેએ કોર્ટને જણાવ્યું હતું.

બેન્ચે રત્નાગિરિની માફક રેડ ઝોન ન હોય એવા જિલ્લાઓમાં કોવિડ-૧૯ ટેસ્ટિંગ લૅબ સ્થાપવા માટે સરકારને આદેશ આપવાની માગણી કરતી માછીમાર ખલિલ વસ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનની સુનાવણી હાથ ધરી હતી.

આ સપ્તાહના પ્રારંભે અદાલતે સરકારને રાજ્યના પ્રત્યેક જિલ્લામાં ટેસ્ટિંગ કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ એ વિશે અદાલતને જાણ કરવાનો હુકમ કર્યો હતો. સરકારે અદાલતને જણાવ્યું હતું કે સંસાધનો તથા તકનીકી માળખાકીય સુવિધાની અપ્રાપ્યતાને કારણે દરેક જિલ્લામાં લૅબોરેટરી સ્થાપવી શક્ય નથી.

પાબલે દ્વારા અદાલતને સુપરત કરાયેલી નોંધમાં જણાવાયું હતું કે ‘સ્વૉબ ટેસ્ટની પ્રક્રિયા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે સૂચવ્યા પ્રમાણે સૅમ્પલ્સને ૨૫૦ કિલોમીટરના વિસ્તારની અંદર આવેલી નિર્દિષ્ટ લૅબોરેટરીને મોકલવા માટે પૂરતો સમય પૂરો પાડે છે, આથી દરેક જિલ્લામાં અલાયદી લૅબોરેટરીની જરૂર નથી.’

 

coronavirus covid19 maharashtra mumbai mumbai news