જીવલેણ રવિવાર : ભારે વરસાદને પગલે માનખુર્દની ત્રણ માળની ચાલની રૂમો ધસી પડી, ૬ જણનાં મોત

06 July, 2026 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડમાં આ‍ૅરેન્જ અલર્ટ, ભારે વરસાદની સાથે કડાકાભડાકા થશે અને જબરદસ્ત પવન ફૂંકાશે : આજે સ્કૂલો અને કૉલેજો બંધ. રવિવારે એક જ દિવસમાં ૨૦૦+ ઝાડ પડ્યાં. શનિવારે અને રવિવારે મળીને બે જણના જીવ ગયા

માનખુર્દમાં ચાલની રૂમો પડી ગયા બાદ અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કાટમાળ ખસેડીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

માનખુર્દ-મંડાલાના જનતાનગરની પાંચમી ગલીમાં ભારે વરસાદને કારણે ગઈ કાલે રાતે ૮.૩૦ વાગ્યે એક ૩ માળની ચાલની બેથી ત્રણ રૂમ તૂટી પડી હતી. એમાં એક મહિલા અને પાંચ બાળકો સહિત ૬ જણનાં મૃત્યુ થયાં હતાં. એક જણ ઈજાગ્રસ્ત હોવાનું જણાવાયું હતું. આ ઘટનાની જાણ ફાયર-બ્રિગેડને તો કરાઈ જ હતી. જોકે એ પછી ઘટનાની ગંભીરતા જોતાં નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ (NDRF)ને પણ જાણ કરવામાં આવી હતી અને તેમની એક ટીમ પણ રેસ્ક્યુ ઑપરેશનમાં જોડાઈ હતી. મોડી રાત સુધી કાટમાળ હટાવવાનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું.

આજે પણ સાવચેત રહેજો
હવામાન ખાતાએ જણાવ્યા મુજબ કોલાબામાં ગઈ કાલે સવારના ૮ વાગ્યાથી રાતના ૮ વાગ્યા દરમ્યાન ૪૮.૮ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ૬૬.૪ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ સાથે જ જુલાઈ મહિનામાં પડતા સરેરાશ વરસાદનો ૮૫ ટકા વરસાદ નોંધાઈ ગયો છે. હવામાન ખાતાએ આજે પણ વરસાદનાં ભારે ઝાપટાં પડવાની આગાહી કરી છે. આજે પણ ૬૦થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આખો દિવસ સતત ભારે ઝાપટાં પડી શકે અને કેટલીક જગ્યાએ અતિ ભારે ઝાપટાં પણ પડી શકે એ શક્યતા દર્શાવવામાં આવી છે. એથી આજે પણ લોકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. આજે મુંબઈ, પાલઘર અને થાણેમાં ઑરેન્જ અલર્ટ અને રાયગડમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે.  

mumbai news mumbai monsoon news mumbai monsoon indian meteorological department mankhurd mumbai police maharashtra government maharashtra news maharashtra