ઘાટકોપરના વેપારીની હત્યામાં વધુ એકની ધરપકડ

26 December, 2018 01:05 PM IST  |  Ghatkopar | Suraj Ojha

ઘાટકોપરના વેપારીની હત્યામાં વધુ એકની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

પંતનગરના હીરાના વેપારીની હત્યાના કેસમાં ચાલી રહેલી તપાસમાં પોલીસે ગઈ કાલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ૨૩ વર્ષનો આરોપી સિદ્ધેશ પાટીલ ડોંગરીનો રહેવાસી છે. આ કેસમાં આ સાથે પોલીસે અત્યાર સુધીમાં સાત જણની ધરપકડ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ હજી બે વ્યક્તિની ધરપકડ કરી શકે છે. આ બે જણ બાઇક પર હતા અને મરનારના મૃતદેહને લઈને પનવેલ જઈ રહેલી કારની પાછળ-પાછળ જઈ રહ્યા હતા.

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન ૭) અખિલેશ સિંહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે આ કેસમાં કુલ સાત લોકોની ધરપકડ કરી છે અને હજી તપાસ ચાલુ છે. હાલમાં જેની ધરપકડ કરી છે તે આરોપી હત્યા થઈ એ સમયે હાજર હતો અને આ હત્યામાં તેની પણ ભૂમિકા હતી.’

પોલીસનાં સૂત્રોએ જણાવ્યા મુજબ દિનેશ, મહેશ અને સિદ્ધેશ કારમાં રાહ જોઈ રહ્યા હતા. આ જ કારમાં ઉદાણી અને ઝારા પણ હતાં. કાર પ્રણિત ચલાવી રહ્યો હતો. ઐરોલી નાકું પસાર થયા બાદ કાર ઊભી રહી હતી અને દિનેશ, મહેશ અને સિદ્ધેશ ત્રણે જણ કારમાં બેસી ગયા હતા.

ghatkopar