ઘાટકોપરની કેમિકલ કંપનીમાં ગૅસ લીક થતાં એકનું મોત, બે ગંભીર

11 January, 2022 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંપનીના 3 કામદારો કેમિકલની ટાંકી ક્લિન કરવા ટાંકીમાં ઊતર્યા હતા ત્યારે એમાં રહેલા મેન્થોલ અને સાયન્યુરિક ક્લૉરાઇડ ગૅસના સંપર્કમાં આવ્યા હતા અને એ ગૅસ શ્વાસમાં જવાથી તેમને તકલીફ થવા માંડી હતી

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર-વેસ્ટના નારાયણ નગરની બાજુમાં આવેલી કુર્લા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની એસ. કે. ડાયકેમ ઍન્ડ ઑર્ગેનિક કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ગઈ કાલે સવારે ૮.૧૫ વાગ્યે ગૅસ હોનારત થઈ હતી જેમાં એક કામદારનું મૃત્યુ થયું હતું અને અન્ય બે કામદારોને ગંભીર હાલતમાં રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. 
એવું કહેવાય છે કે કંપનીના 3 કામદારો કેમિકલની ટાંકી ક્લિન કરવા ટાંકીમાં ઊતર્યા હતા ત્યારે એમાં રહેલા મેન્થોલ અને સાયન્યુરિક ક્લૉરાઇડ ગૅસના સંપર્કમાં આવ્યા હતા અને એ ગૅસ શ્વાસમાં જવાથી તેમને તકલીફ થવા માંડી હતી. તરત જ ત્રણેને બહાર કાઢી રાજાવાડી હૉસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરોએ ૩૬ વર્ષના રામનિવાસ સરોજને દાખલ કરતાં પહેલાં જ ચકાસીને મૃત જાહેર કર્યો હતો. જ્યારે તેના બે સાથી-કર્મચારીઓ ૩૬ વર્ષના રુબિન સોલકર અને ૨૫ વર્ષના સર્વંશ સોનાવણેને દાખલ કરી તેમની સારવાર કરાઈ રહી છે. 
ગૅસ હોનારતની જાણ ફાયર બ્રિગેડને પણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડનું એક ફાયર-એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. સાથે જ પાલિકાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ ચાલુ કરી હતી. 
રાજાવાડી હૉસ્પિટલ દ્વારા ગઈ કાલે સાંજે જણાવાયું હતું કે રૂબિન સોલકર અને સર્વંશ સોનાવણે બંનેની તબિયત સુધારા પર છે અને તેઓ સ્ટેબલ છે. 

mumbai mumbai news ghatkopar