લાલબાગચા રાજા ચોરોને ફળ્યા, વિસર્જનના દિવસે ૧૫૦ મોબાઇલની તફડંચી

14 September, 2019 08:18 AM IST  |  મુંબઈ | અનુરાગ કાંબળે

લાલબાગચા રાજા ચોરોને ફળ્યા, વિસર્જનના દિવસે ૧૫૦ મોબાઇલની તફડંચી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : લાલબાગચા રાજાના વિસર્જનના દિવસે મોબાઇલ ચોરોએ એક જ દિવસમાં લગભગ ૧૫૦ જેટલા મોબાઇલ ચોર્યા હતા. ગણેશોત્સવના તમામ દિવસોમાં પોલીસે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતી નજર રાખી હતી, તેમ છતાં તહેવારના અંતિમ દિવસે મોબાઇલ ચોરીના કેસમાં વૃદ્ધિ નોંધાઈ હતી. સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે જોકે ૧૩ ચોરોને પકડી તેમની પાસેથી ૨૨ મોબાઇલ ફોન અને બે સોનાની ચેઇન મેળવી હતી.

લાલબાગચા રાજાના વિસર્જન વખતે એકઠી થતી માનવમેદનીને ધ્યાનમાં રાખી મોબાઇલ ચોરી, ધક્કા-મુક્કી અને અન્ય અનિચ્છનીય બનાવને રોકવા સ્પેશ્યલ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. તેમ છતાં ચોરો ૧૦૦ કરતાં વધુ મોબાઇલ તફડાવવામાં સફળ રહ્યા હતા. તહેવારના નવ દિવસો દરમ્યાન કાલાચોકી પોલીસ સ્ટેશનમાં ૨૫૦ જેટલા મોબાઇલ ચોરીના કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો : કરીના કપૂરનું નવું ફોટોશૂટ ઉડાવી રહ્યા છે ચાહકોના હોંશ, જુઓ ગ્લેમરસ ફોટોઝ

દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૬ના એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ચોર લોકોની ટોળી એસયુવીમાં પ્રવાસ કરી રહી હોવાની અમને મળેલી માહિતીના આધારે અમે તેમને શિવાજીનગર પાસે આંતરી તેમની પાસેથી સોનાની બે ચેઇન મેળવી હતી. ઝોન ૪ના ડીસીપી ડૉક્ટર સૌરભ ત્રિપાઠીની આગેવાની હેઠળની ટુકડીએ લાલબાગના વિવિધ વિસ્તારોમાંથી પાંચ ચોરોને પકડી તેમની પાસેથી ૧૩ મોબાઈલ ફોન તથા અન્ય ત્રણ ચોરો પાસેથી નવ એમ કુલ ૨૨ મોબાઇલ ફોન મેળવ્યા હતા. આમાંથી બે ચોર તહેવાર દરમ્યાન હાથ સાફ કરવા ખાસ ઉત્તર પ્રદેશથી મુંબઈ આવ્યા હતા.’

lalbaugcha raja mumbai Crime News