૧૫ જાન્યુઆરીએ સ્થાનિકો ટુસુની ઉજવણીમાં માંસ-મદિરાનું નહીં, દહીં-ચેવડાનું સેવન કરે છે

07 January, 2023 08:33 AM IST  |  Mumbai | Rohit Parikh

કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગ તરફથી ગુરુવારે સાંજે ઑફિસ મેમોરેન્ડમ જારી કરીને ઝારખંડમાં આવેલા જૈનોના સમેતશિખરજી તીર્થને પર્યટન-સ્થળ બનાવવાની હિલચાલને સ્થગિત કરી દેવામાં આવી હતી.

૧૫ જાન્યુઆરીએ સ્થાનિકો ટુસુની ઉજવણીમાં માંસ-મદિરાનું નહીં, દહીં-ચેવડાનું સેવન કરે છે


મુંબઈ : કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગ તરફથી ગુરુવારે સાંજે ઑફિસ મેમોરેન્ડમ જારી કરીને ઝારખંડમાં આવેલા જૈનોના સમેતશિખરજી તીર્થને પર્યટન-સ્થળ બનાવવાની હિલચાલને સ્થગિત કરી દેવામાં આવી હતી. આ સમાચારથી જૈન સમુદાયમાં હર્ષોલ્લાસ ફેલાયો છે. એ જ સમયે મુંબઈના જૈનોમાં એક શંકા ઊભી થઈ છે કે કેન્દ્ર સરકારે પર્યટન-સ્થળ બનતાં તો અત્યારે શ્રી સમેતસિખરજીમાં સ્થગિત કરી દીધું, પણ શ્રી સમેતશિખરજી તીર્થમાં લાખો સ્થાનિક રહેવાસીઓ પારસનાથ હિલ પર ૧૫ જાન્યુઆરીએ ઘેરાવ કરશે અને માંસ-મદિરાનું સેવન અને નાચગાન કરશે એની કોઈને ચિંતા જ નથી. જોકે ઝારખંડના પર્યટનપ્રધાન કહે છે કે ૧૫ જાન્યુઆરીના ટુસુના તહેવારની પારસનાથ હિલથી દૂર ઉજવણી કરવામાં આવે છે અને એ દિવસે તેઓ દહીં અને ચેવડો ખાય છે. 

ઝારખંડમાં મકરસંક્રાંતિના તહેવારને ટુસુ પર્વ તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર ઝારખંડના કુડમી કોમ અને આદિવાસીઓનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવારની શ્રી સમેતશિખરજી અને પારસનાથ હિલ પર ૧૦૦ વર્ષથી વધારે લાંબા સમયથી ઉજવણી કરવામાં આવે છે. આ પર્વ નારીશક્તિના સન્માન અને સ્વાભિમાન તરીકે મનાવવામાં આવે છે. ઝારખંડના પંચપગના ક્ષેત્રમાં નજીકમાં ઠંડીની મોસમમાં અનાજની વાવણી કર્યા પછી એક મહિીના સુધી ઉજવણી કરવામાં આવે છે. જેમ હિન્દુઓ દિવાળીના તહેવારની પાંચ દિવસ સુધી ઊજવણી કરે છે એમ ઝારખંડમાં ટુસુનો તહેવાર નવા વર્ષનું સ્વાગત કરવા માટે ધામધૂમથી ઊજવાય છે. એમાં ચારેય દિવસ સરઘસ નીકળે છે તેમ જ રસ્તા પર અનેકાનેક પ્રકારના નાચગાન પણ કરવામાં આવે છે. આ તહેવાર અગહન સંક્રાંતિથી લઈને મકરસંક્રાતિ સુધી ઊજવાય છે. કુંવારી કન્યાઓ ટુસુની સ્થાપના કરી રોજ સાંજે અર્ચના-પૂજા કરીને આ તહેવારની ઉજવણી કરે છે. 
શ્રી સમેતશિખરજીના એક સ્થાનિક રહેવાસીએ આ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સદીઓથી પારસનાથ હિલ પર ઊજવાતા આ તહેવાર પર રાજ્ય સરકાર નિયંત્રણ કેવી રીતે લાવી શકે? માંસ-મદિરા અમારો રોજિંદો ખોરાક છે. તહેવારોમાં તો એનું સેવન વધારે પ્રમાણમાં થાય છે. પારસનાથ હિલની આસપાસ આદિવાસીઓની વસાહત છે. તેઓ તો માંસ-મદિરાનું સેવન કરવાના જ છે. અહીંના ડોલીવાળાઓ મદીરાનું સેવન કર્યા વગર લોકોને ડુંગર ચડાવતા હશે એવું જો કોઈ માનતું હોય તો એ વાતને તપાસવાની જરૂર છે. અમે જૈનોની આસ્થાને સમજી શકીએ છીએ, પણ અમારા સદીઓ જૂના તહેવાર પર કોઈ નિયંત્રણ શક્ય નથી. જ્યારથી જૈનો દ્વારા પારસનાથ હિલની પવિત્રતાને અંકબંધ રાખવા માટે આંદોલનની દેશભરમાં શરૂઆત થઈ એ જ સમયે અમારા ચીફ મિનિસ્ટર હેમંત સોરેને આ તીર્થની પવિત્રતા અખંડ રાખવા માટે જિલ્લાના અધિકારીઓને અને સુરક્ષાકર્મીઓને આવશ્યક નિર્દેશ જારી દીધા છે. કેન્દ્ર સરકારે તો ત્યાર પછી એની જાહેરાત કરી છે.’

આ પણ વાંચો:મુલુંડની જનમેદનીનો હૂંકાર, જૈન તીર્થોની પવિત્રતા અને ગરિમાને નહીં આવવા દઈએ આંચ

ટુસુના તહેવારની પારસનાથ તીર્થ પર ઉજવણી કરવામાં આવતી નથી, આ ઉજવણી પારસનાથ તીર્થથી ઘણા દૂરના સ્થળે કરવામાં આવે છે એમ જણાવીને ઝારખંડના પર્યટન મિનિસ્ટર હફિઝુલ હસને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે ગુરુવારે સાંજે ઑફિસ મેમોરેન્ડમ જારી કરીને ૨૦૧૯ના ઇકો-સેન્સિટિવ ઝોનના નોટિફિકેશન સામે સ્ટે આપી દીધો છે. આ સ્ટે ઑર્ડર અમને મળશે એ પછી અમારા ચીફ મિનિસ્ટર હેમંત સોરેન પ્રધાનમંડળ સાથે બેઠક કરીને એના પર ચર્ચા-વિચારણા કરશે. ત્યાર પછી અમે અમારી પૉલિસી જાહેર કરીશું. જ્યાં સુધી મકરસંક્રાંતિ એટલે કે ટુસુના તહેવારની ઉજવણીની વાત છે તો એ તહેવારની ઉજવણી પારસનાથ હિલ પર કરવામાં આવતી નથી. એ તહેવારમાં તેઓ દહીં અને ચેવડો ખાય છે, માંસ-મદિરાનું સેવન કરતા નથી.’
 
વધુ એક જૈન સાધુ કાળધર્મ પામ્યા

સમેતશિખરજી તીર્થની રક્ષા માટે ઉપવાસ પર ઊતરેલા વધુ એક જૈન સાધુ કાળધર્મ પામ્યા છે. આ બાબતની માહિતી આપતાં શ્રી રાજસ્થાન જૈન સભાના પ્રમુખ સુભાષ ચંદ્ર જૈને જણાવ્યું હતું કે ‘૭૪ વર્ષના સમર્થ સાગર મહારાજસાહેબ છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ પર ઊતર્યા હતા. ગઈ કાલે રાતના બે વાગ્યે તેઓ કાળધર્મ પામ્યા હતા. આ પહેલાં મંગળવારે ૭૨ વર્ષના સુગ્યેયસાગર મહારાજસાહેબ આ કારણસર જ કાળધર્મ પામ્યા હતા. 

mumbai news jharkhand rohit parikh