Omicron: હેં..! મહારાષ્ટ્ર આવેલા 6 યાત્રીઓ કોરોના પોઝિટિવ, પ્રવાસીઓએ RT-PCR કરાવવો ફરજિયાત

01 December, 2021 07:18 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાથી સંક્રમિત 6 લોકોમાંથી ત્રણ લોકો મુંબઈના કલ્યાણ, ડોંબિવલી અને મીરા ભાયંદર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

ઓમિક્રોન (Omicron)ને કારણે સમગ્ર દુનિયામાં ફરી ચિંતાનો માહોલ ઉભો થયો છે. તેવામાં દક્ષિણ આફ્રિકામાંથી આવતાં લોકો પર કડક નજર રાખવામાં આવી રહી છે. માયાનગરી મુંબઈ (mumbai)માં છેલ્લા 15 દિવસમાં 1000 લોકો આફ્રિકી દેશોમાંથી આવ્યાં છે.  જેઓની શોધખોળ કરી તપાસ કરવાની પ્રક્રિયા શરૂ છે. 

આ દરમિયાન મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગે આજે જાણકારી આપી છે કે ઓમિક્રોનનું જોખમ ધરાવતા દેશોમાંથી મુંબઈ આવેલા યાત્રીઓમાંથી 6 લોકોના કોરોના (Covid-19)રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે કોરોના પોઝિટિવ આવેલા આ છ યાત્રીઓ asymptomatic અથવા mild asymptomatic હતાં. તમામ સંક્રમિતોના નમુના જિનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યાં છે, જેથી ઓમિક્રોનના સંક્રમણ અંગે જાણી શકાય. આ સાથે જ આ છ યોત્રીઓનો સંપર્ક ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. 

કોરોનાથી સંક્રમિત 6 લોકોમાંથી ત્રણ લોકો મુંબઈના કલ્યાણ, ડોંબિવલી અને મીરા ભાયંદર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય એક યાત્રી પુનાનો રહેવાસી છે તો બીજા બે લોકો પિંપરી-ચિંચવાડના હોવાની માહિતી સામે આવી છે. 

ઓમિક્રોનને પગલે નવા નિયમો લાગુ

ઓમિક્રોન વેરિયન્ટને પગલે ભારત સરકારે આજે અડધી રાત્રીથી જોખમ વાળા દેશોમાંથી આંતરરાષ્ટ્રીય મુસાફરી પર નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ ધરાવતાં તમામ દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય યાત્રીઓએ ફરજિયાતપણે સાત દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. 

સરકારી આદેશમાં જણાવાયું છે કે RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ આવનાર યાત્રીઓને હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવશે, જ્યારે નેગેટિવિ રિપોર્ટ આવવા પર યાત્રીઓએ ઘરમાં સાત દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. આ ઉપરાંત યાત્રીઓને મહારાષ્ટ્ર પહોંચવા ત્રણ વાર એટલે કે લેન્ડ થયાના બીજા દિવસે, ચોથા દિવસે અને સાતમાં દિવસે RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.

નવી માર્ગદર્શિકા અનુસાર, રાજ્યની મુસાફરી કરતા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ છેલ્લા 15 દિવસમાં તેઓ કયા દેશોની મુલાકાત લીધી છે તેની વિગતો આપવી પડશે. તેમના આગમન પર ઇમિગ્રેશન દ્વારા ક્રોસ-ચેક કરવામાં આવશે.

 

mumbai mumbai news coronavirus covid19