ભાવવધારાના આંદોલન વચ્ચે ઓલા ઉબરના ડ્રાઇવરે કરી આત્મહત્યા

18 July, 2025 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓલા-ઉબર કંપની તરફથી થતી ઓછી કમાણી સામે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આર્થિક પરેશાનીમાં આવી જવાથી સરોજે આપઘાત કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આત્મહત્યા કરનાર સરોજ સક્સેના.

નાલાસોપારા-ઈસ્ટના બિલાલપાડા વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષના સરોજ સક્સેનાએ બુધવાર સાંજે પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ મામલે પેલ્હાર પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ઓલા અને ઉબર કંપની તરફથી મળતી કારમાં સરોજ ડ્રાઇવિંગ કરતો હતો. મુંબઈ સહિત રાજ્યભરના ઓલા-ઉબરના ડ્રાઇવરો છેલ્લા ૩ દિવસથી વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ ઓલા-ઉબર કંપની તરફથી થતી ઓછી કમાણી સામે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આર્થિક પરેશાનીમાં આવી જવાથી સરોજે આપઘાત કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

પેલ્હાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર વનકોટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સાંજે ઝેરી દવા પીને સરોજે આત્મહત્યા કરી હતી. તેની પુત્રી સાંજે ઘરે આવી ત્યારે સરોજને બેડ પર સૂતેલી હાલતમાં જોઈને અને તેના મોઢામાંથી ફીણ નીકળતાં જોઈને આ ઘટના પ્રકાશમાં આવી હતી. તાત્કાલિક તેને ઇલાજ માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વધુ માહિતી લેતાં જાણવા મળ્યું હતું કે સરોજ પર આર્થિક કર્જ હતું. આ ઉપરાંત છેલ્લા ૩ દિવસથી ચાલી રહેલી ઓલા-ઉબરની સ્ટ્રાઇકને કારણે તે માનસિક તકલીફમાં હતો. આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ. આ કેસમાં સુસાઇડ-નોટ મળી નથી.’

nalasopara news mumbai ola uber suicide mumbai news mumbai police mental health finance news