મુંબઈમાં કારની સંખ્યા વધી રહી છે, અલાયદું પાર્કિંગ જરૂરી : હાઈ કોર્ટ

22 November, 2022 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સાથે હાઈ કોર્ટે રાજ્ય સરકાર તથા સુધરાઈને આ મામલે પ્રસ્તાવિત પગલાં વિશે સવાલ કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

બોમ્બે હાઈ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે, શહેરમાં કારની વધી રહેલી સંખ્યાને કારણે પાર્કિંગની નિર્દિષ્ટ જગ્યા હોવી જરૂરી છે. આ સાથે હાઈ કોર્ટે રાજ્ય સરકાર તથા સુધરાઈને આ મામલે પ્રસ્તાવિત પગલાં વિશે સવાલ કર્યો હતો.

ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ અભય આહુજાની ડિવિઝન બેન્ચે સમાવેશક પાર્કિંગ માટેની નીતિ અને આગનો ભોગ બનેલી ઈમારત સુધી પહોંચવા માટે ફાયર એન્જીનને આડેધડ પાર્કિંગને કારણે થતી મુશ્કેલી દૂર કરવા માટે નીતિનો અમલ કરવા અંગેની બે યાચિકાની સુનાવણી હાથ ધરી હતી.

બેન્ચે જણાવ્યું હતું કે, ઓથોરિટીએ શહેરના સાંકડા રસ્તાઓની ઓળખ કરીને ત્યાં પાર્કિંગની જગ્યા કેવી રીતે ઊભી કરી શકાય, એ નક્કી કરવા જણાવ્યું હતું. અદાલતે સરકાર અને મુંબઈ કોર્પોરેશનને પ્લાન રજૂ કરવાનો હુકમ કર્યો હતો.

‘મુંબઈમાં ઘણી કાર છે. મુંબઈમાં પાર્કિંગ માટેની કોઈ નિર્દિષ્ટ જગ્યા નથી. લોકો ક્યાં વાહન પાર્ક કરશે? હરકોઈને ડ્રાઇવર ન પરવડી શકે,’ એમ ચીફ જસ્ટિસે જણાવ્યું હતું.

બેન્ચે રાજ્ય સરકાર અને સુધરાઈને શહેરમાં પાર્કિંગ માટેની જગ્યા નક્કી કરવા માટે લેવાયેલાં પગલાં અંગેની સમાવેશક એફિડેવિટ ચાર સપ્તાહમાં રજૂ કરવા અને અન્ય પ્રસ્તાવિત પગલાં વિશે જાણકારી આપવાનો હુકમ કર્યો હતો.

હાઈકોર્ટે યાચિકાઓની સુનાવણી જાન્યુઆરી, ૨૦૨૩માં હાથ ધરવાનું જણાવ્યું હતું.

mumbai mumbai news bombay high court mumbai high court