હવે મુસીબત બનેલા ગોખલે બ્રિજને ટૂ-વ્હીલર અને લાઇટ વેહિકલ માટે અઠવાડિયામાં ખુલ્લો મૂકવાની શક્યતા છે

25 November, 2022 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંધેરી ઈસ્ટ–વેસ્ટને જોડતા ગોખલે બ્રિજને ૭ નવેમ્બરથી બંધ કરી દેવાયો છે, જે હવે આવતા અઠવાડિયાથી ઍટલિસ્ટ ટૂ-વ્હીલર અને કાર માટે ચાલુ થાય એવી શક્યતા છે

અંધેરીનો ગોખલે બ્રિજ બંધ હોવાથી મોટરિસ્ટો છે હેરાન. નિમેષ દવે


મુંબઈ ઃ અંધેરી ઈસ્ટ–વેસ્ટને જોડતા ગોખલે બ્રિજને ૭ નવેમ્બરથી બંધ કરી દેવાયો છે, જે હવે આવતા અઠવાડિયાથી ઍટલિસ્ટ ટૂ-વ્હીલર અને કાર માટે ચાલુ થાય એવી શક્યતા છે. આ માટે બીએમસી વીજેટીઆઇ અને આઇઆઇટીએ આપેલા સ્ટ્રક્ચરલ ઑડિટના રિપોર્ટનો અભ્યાસ કરી રહી છે. નાનું-મોટું સમારકામ હાથ ધરી એના પરથી હાલપૂરતા નાનાં અને હલકાં વાહનો દોડાવી શકાશે, એમ વીજેટીઆઇના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. 
ગોખલે બ્રિજ બંધ કરી દેવાથી મોટરિસ્ટોને પડતી હાડમારી અને વૈકલ્પિક રસ્તાઓ પર થતા ટ્રાફિક જૅમને જોતાં મુંબઈ સબર્બ્સના પાલકપ્રધાન મંગલપ્રભાત લોઢાએ બીએમસીમાં રજૂઆત કરી હતી કે જો શક્ય હોય અને જોખમી ન હોય તો ઍટલિસ્ટ ટૂ-વ્હીલર અને લાઇટ મોટર વેહિકલને એના પરથી પસાર થવાની છૂટ આપવી. તેમની આ રજૂઆત બાદ બીએમસી દ્વારા એન્જિનિયરિંગ ક્ષેત્રની બે જાણીતી માતબાર ઇન્સ્ટિટ્યૂટ વીજેટીઆઇ અને આઇઆઇટીને આ સંદર્ભે તપાસ કરી અહેવાલ આપવા કહ્યું હતું. બીએમસીના ઍડિશનલ કમિશનર પી. વેલારાસુએ કહ્યું છે કે વીજેટીઆઇના કહેવા મુજબ બ્રિજનાં કેટલાંક નાનાં-મોટાં સમારકામ અને બ્રિજના પીલરની ક્રેક ભર્યા બાદ ઍટલિસ્ટ ટૂ-વ્હીલર અને લાઇટ મોટર વેહિકલ માટે એને શરૂ કરી શકાય એમ છે. જ્યારે આઇઆઇટીના અહેવાલમાં માત્ર વચ્ચેની બે લેનમાં જ વાહનવ્યવહાર માટે છૂટ આપવી એવું સૂચન કરાયું છે. જોકે આઇઆઇટીના રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે હાલ પીલર્સ, સ્લેબ, ગર્ડર, બેરિંગમાં સમારકામ નથી જણાતું, પણ જો તમારે એને મજબૂત કરવા જ હોય તો ટ્રાફિક મૂવમેન્ટ રોકવી જરૂરી છે. જ્યારે કે વીજેટીઆઇ દ્વારા બ્રિજનું 
સમારકામ ૧૨ ટુકડાઓમાં કરવા જણાવ્યું છે. આમ આ બન્ને ઇન્સ્ટિટ્યૂટના અહેવાલમાં અલગ-અલગ બાબતો બહાર આવી છે. એથી હાલ અમારા બ્રિજ ડિપાર્ટમેન્ટના એન્જિનિયર્સ એનો અભ્યાસ કરી શું પગલાં લેવા એ નક્કી કરશે. ત્યાર બાદ બ્રિજ નાનાં વાહનો માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવાશે.’ 

mumbai news andheri