મુંબઈ ઍરપોર્ટ પર હવે આરટી-પીસીઆર ટેસ્ટ માટે ૧૯૭૫ રૂપિયા જ ચૂકવવા પડશે

16 December, 2021 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ માટે પહેલાં ૪૫૦૦ રૂપિયા આપવા પડતા હતા અને ત્યાર બાદ ૩૯૦૦ રૂપિયા ચૂકવવા પડતા હતા

ફાઈલ તસવીર

મુંબઈ ઍરપોર્ટ પર બહારગામથી આવતા પ્રવાસીઓ જેમની પાસે છેલ્લા ૭૨ કલાકમાં આરટી-પીસીઆર ટેસ્ટ (નેગેટિવ) કરાવ્યાનું સર્ટિફિકેટ ન હોય તેમણે ઍરપોર્ટ પર ફરજિયાત એ ટેસ્ટ કરાવવી પડતી હતી. એ માટે પહેલાં ૪૫૦૦ રૂપિયા આપવા પડતા હતા અને ત્યાર બાદ ૩૯૦૦ રૂપિયા ચૂકવવા પડતા હતા. જોકે આ રકમ પણ બહુ જ વધારે હોવાની સતત ફરિયાદો થઈ રહી હતી. વળી સરકારી હૉસ્પિટલો કે પછી પ્રાઇવેટ લૅબમાં પણ આટલી મોંઘી ફી લેવાતી ન હોવાની બૂમ ઊઠી હતી. એથી આખરે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને આ બાબતે વિનંતી કરતો પત્ર લખ્યો હતો અને ત્યાર બાદ હવે મુંબઈ ઍરપોર્ટ પર મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ (એમઆઇએએલ) દ્વારા લેવાતી એ ફી પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. ઍરપોર્ટ પર હવે આરટી-પીસીઆર ટેસ્ટ માટે ૧૯૭૫ રૂપિયા જ લઈ શકાશે. 
આ બાબતે પ્રવાસીઓ તરફથી ફરિયાદો મળતાં રાજ્ય સરકારે એમઆઇએએલને એ ફી ઘટાડવા કહ્યું હતું, પણ એમઆઇએએલ ગણકાર્યું નહોતું. એ પછી રાજ્યના ઍડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. પ્રદીપ વ્યાસે આ બાબતે કેન્દ્ર સરકારને એમઆઇએએલ દ્વારા લેવાતી આ મોંઘી ફી બાબતે રજૂઆત કરી હતી. એ પછી આઇઆરએસના ડૉ. સુધાકર શિંદેએ આ સંદર્ભે ઝીણવટભરી તપાસ કરીને તેમનો અહેવાલ કેન્દ્ર સરકારને આપતાં કેન્દ્ર સરકારે મંગળવારે એ ફી ઘટાડી નિયંત્રિત કરીને ૧૯૭૫ રૂપિયા નક્કી કરી હતી. હવે એમઆઇએએલ આરટી-પીસીઆર ટેસ્ટ માટે એના કરતાં વધુ ફી વસૂલી નહીં શકે.   

coronavirus covid19 mumbai mumbai news mumbai airport