હવે ફક્ત બ્લડ-ટેસ્ટથી થઈ શકશે બ્રેસ્ટ-કૅન્સરનું નિદાન

23 June, 2022 12:18 PM IST  |  Mumbai | Suraj Pandey

એક દાવા પ્રમાણે ટેસ્ટ વડે ફક્ત ઍડ્વાન્સ્ડ સ્ટેજ પર જ નહીં, જેમાં કૅન્સર થયું હોય પણ હજી ફેલાયું ન હોય એવા સ્ટેજ ઝીરો પર પણ કૅન્સરની જાણ થઈ શકે છે

બ્રેસ્ટ-કૅન્સરના નિદાન માટે સામાન્યપણે મેમોગ્રાફી અને એમઆરઆઇ ટેસ્ટ કરાવવી પડતી હોય છે

હવે ફક્ત પાંચ મિલીલિટર લોહીથી મહિલાઓમાં બ્રેસ્ટ-કૅન્સરની જાણ થઈ શકશે. ડેવલપર્સના દાવા પ્રમાણે આ ટેસ્ટ વડે ફક્ત ઍડ્વાન્સ્ડ સ્ટેજ પર જ નહીં, સ્ટેજ ઝીરો પર સુધ્ધાં (જેમાં કૅન્સર થયું હોય, પણ હજી ફેલાયું ન હોય) કૅન્સરની જાણ થઈ શકે છે.

બ્રેસ્ટ-કૅન્સર મહિલાઓમાં જોવા મળતું સૌથી સામાન્ય કૅન્સર છે અને એના નિદાન માટે મેમોગ્રાફી અને એમઆરઆઇ ટેસ્ટ કરાવવાની રહે છે. જોકે ભારતમાં સામાન્યપણે પાછલા સ્ટેજ પર એનું નિદાન થાય છે. જોકે દાતાર કૅન્સર જિનેટિક્સે બ્રેસ્ટ-કૅન્સરને લગતા સર્ક્યુલેટિંગ ટ્યુમર સેલ્સ અને ક્લસ્ટર્સને અત્યંત ચોકસાઈથી પારખી શકતી બ્લડ-ટેસ્ટ વિકસાવી છે.

દાતાર કૅન્સર જિનેટિક્સના સ્થાપક અને ચૅરમૅન ડૉક્ટર રાજન દાતારે જણાવ્યું હતું કે ‘અમારા ક્લિનિકલ પર્ફોર્મન્સના આધારે આ ટેસ્ટની ચોકસાઈ સ્ટેજ-૩ અને સ્ટેજ-૪ના કૅન્સરમાં ૧૦૦ ટકા,  સ્ટેજ-ટૂ કૅન્સરમાં ૯૫ ટકા, સ્ટેજ-૧માં ૯૦ ટકા અને સ્ટેજ ઝીરોમાં ૮૦ ટકા છે.’

ભારત, અમેરિકા અને લંડનના ૪૦ વર્ષ અને તેથી વધુ વયના સહભાગીઓએ ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લીધો હતો. દાતાર કૅન્સર જિનેટિક્સના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પરિણામ મેળવતાં ૧૨ દિવસ જેટલો સમય લાગે છે.

દાતાર કૅન્સર જિનેટિક્સ દેશભરમાં આ સેવા પૂરી પાડવા માટે અપોલો હેલ્થકૅર સાથે જોડાણ ધરાવે છે. અપોલો હૉસ્પિટલ્સ (વેસ્ટર્ન રીજન)ના સીઈઓ સંતોષ મરાઠેએ જણાવ્યું હતું કે ‘પશ્ચિમના દેશોમાં બ્રેસ્ટ-કૅન્સર જાણવા માટેની બ્લડ-ટેસ્ટની કિંમત ૧,૦૦૦ ડૉલરની આસપાસ છે, પણ ભારતમાં અમે એની કિંમત ૬,૦૦૦ રૂપિયા રાખી છે. જો કેન્દ્ર અને રાજ્ય સરકારો એમની આરોગ્ય યોજનાઓમાં આ ટેસ્ટને સામેલ કરે તો એ એક યોગ્ય પગલું ગણાશે અને ટેસ્ટ પરવડી ન શકે એવા લોકોને એ ઉપયોગી થશે. ​ટિયર-૨અને ૩ શહેરોમાં આ ટેસ્ટનો પ્રસાર કરવાથી ખર્ચ ઘટાડી શકાય છે.’

mumbai mumbai news cancer