મૃત્યુનું માતમ નહીં પણ એનો ઉત્સવ

22 May, 2022 10:24 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડના ૮૧ વર્ષના દીપચંદ દોશીના મૃત્યુ પછી તેમણે કરેલાં કાર્યોને બિરદાવવા પરિવાર તરફથી ગઈ કાલે તેમની અંતિમયાત્રા બૅન્ડવાજાં સાથે કાઢવામાં આવી

ગઈ કાલે બૅન્ડવાજાં સાથે નીકળેલી દીપચંદભાઈની અંતિમયાત્રા.


મુંબઈ ઃ મુલુંડની સાથે-સાથે મુંબઈની અનેક મોટી સંસ્થાઓના પ્રમુખ રહ‌ી ચૂકેલા ૮૧ વર્ષના દીપચંદ દોશી શુક્રવારે મૃત્યુ પામ્યા હતા. તેમના પરિવારના સભ્યો ભારત બહાર હતા એટલે ગઈ કાલે સાંજના તેમની અંતિમયાત્રા રાજેન્દ્ર પ્રસાદ રોડ પર રાજયોગ ટાવરમાં રહેતા ઘરમાંથી કાઢવામાં આવી હતી. તેમણે કરેલાં કાર્યોને જોઈને પરિવાર દ્વારા તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની અંતિમયાત્રા બૅન્ડવાજાં સાથે કાઢવામાં આવી હતી.
પોતાના પગ પર ઊભા રહી આકાશને આંબવાનાં જેણે ફક્ત સ્વપ્ન નથી જોયાં, પણ એને સાકાર કરવા ભગીરથ પ્રયત્નો કરી પરિવારને, ગામને અને જ્ઞાતિના સભ્યોને સદા સહાયરૂપ થનારા મૂળ ગામ ખેરળી, હાલ મુલુંડમાં રહેતા દીપચંદભાઈ જેચંદભાઈ દોશીનું શુક્રવારે વહેલી સવારે અવસાન થયું હતું. તેમના મૃત્યુના સમાચાર મળતાં જ મુલુંડના અનેક જૈન સંઘોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ગયા મહિને તેમનું સમાજસેવા ક્ષેત્રે લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. એ પહેલાં તેઓ વર્ધમાન જૈન સંઘના ટ્રસ્ટી, બૉમ્બે ઘોઘારી જ્ઞાતિના ટ્રસ્ટી, મુલુંડ જૈન મિત્ર મંડળના ટ્રસ્ટી, મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘના ટ્રસ્ટી હતા. આ ઉપરાંત તેમણે અનેક દેરાસરો પણ બંધાવ્યાં હતાં. આવાં કાર્યોને બિરદાવવા માટે ગઈ કાલે તેમના પરિવારના સભ્યો દ્વારા રાજયોગ ટાવરથી મુલુંડ સ્મશાનભૂમિ સુધી બૅન્ડવાજાં વગાડવામાં આવ્યાં હતાં. તેમની અંતિમયાત્રામાં મોટા રાજકીય નેતાઓથી લઈ મોટા બિઝનેસમેન સાથે કેટલાક સામાન્ય વર્ગના લોકોની મોટી ભીડ ઊમટી પડી હતી.
દીપચંદભાઈના જમાઈ હિતેશ સલોતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે એવું કોઈ નહીં હોય જેની આંખમાં આંસુ નહીં આવ્યાં હોય. તેઓ નાનાથી નાના લોકોને તેમની તકલીફમાં મદદ કરતા હતા. છેલ્લાં ચાર વર્ષથી તેમને પૅરૅલિસિસ થઈ ગયો હોવા છતાં લોકોની સેવામાં હંમેશાં તત્પર રહેતા હતા. એ જોઈ અમે પરિવારના સભ્યોએ તેમનાં કાર્યોને બિરદાવવા માટે ઘરથી સ્મશાનભૂમિ સુધી બૅન્ડવાજાં રાખ્યાં હતાં જેથી તેમને સાચી શ્રદ્ધાંજલિ મળી રહે.’

mumbai news mulund