ગંભીર દરદીઓ રખડે અને માઇનર લક્ષણવાળાને હૉસ્પિટલના બેડ મળે

13 April, 2021 08:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યારે મુંબઈમાંની આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કમિશનરે બનાવ્યો ઍક્શન-પ્લાન : દરદીઓને તાત્કાલિક બેડ મળી રહે એ માટે દરેક વૉર્ડમાં હવે નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવશે

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલ

મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી રોજ કોરોનાના ૧૦,૦૦૦ જેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કોરોના-સંકટને પહોંચી વળવા મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ઍક્શન-પ્લાન તૈયાર કર્યો છે. આરોગ્ય સુવિધા પર ભારે પ્રેશર છે ત્યારે કેટલીક પ્રાઇવેટ હૉસ્પિટલમાં કોરોનાનાં માઇનર લક્ષણ ધરાવતા દરદીઓએ બેડ રોકી રાખ્યા હોવાનું ધ્યાનમાં આવતાં એના પર કેવી રીતે કામ કરવું એની યોજના બનાવાઈ છે. આ બેડ ખાલી થાય તો કોરોનાના ગંભીર દરદીઓને આસાનીથી બેડ મળી રહે એ માટે શહેરના દરેક વૉર્ડમાં નોડલ ઑફિસર નિયુક્ત કરવામાં આવશે.

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલ અને આરોગ્ય ટીમના ધ્યાનમાં આવ્યું છે કે કોરોનાના દરદીનું ઑક્સિજન-લેવલ ઓછું થાય તો તેને તાત્કાલિક સારવાર આપવાની જરૂર પડે છે. જોકે આવા દરદીને બેડ નથી મળતા. રાતે ઇમર્જન્સી આવે તો બેડ મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. લોકોની આ મુશ્કેલી દૂર કરવા માટે નોડલ ઑફિસરની નિયુક્તિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુંબઈ મહાનગરપાલિકાના ૨૪ વૉર્ડમાં ‘વૉર રૂમ’ અને જમ્બો ફીલ્ડ હૉસ્પિટલ માટે નોડલ ઑફિસર કામ કરશે. ખાસ કરીને રાતે ૧૧થી સવારે ૭ વાગ્યા દરમ્યાન દરદીને તાત્કાલિક બેડ કેવી રીતે મળે એ જોવાની જવાબદારી આ અધિકારીની રહેશે. આ ઑફિસર બપોરે ૩થી રાતે ૧૧ અને રાતે ૧૧થી સવારે ૭ વાગ્યા સુધી એમ બે શિફ્ટમાં કામ કરશે. આ અધિકારીઓ સતત એકબીજાના સંપર્કમાં રહીને દરદીઓને બેડની વ્યવસ્થા કરશે એમ કમિશનર ઇકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું.

મુંબઈની વિવિધ હૉસ્પિટલોમાં ૩૨૫ વધારાના આઇસીયુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે એથી આઇસીયુ બેડની સંખ્યા ૨૪૬૬ થઈ છે. મુંબઈમાં આગામી દોઢ મહિનામાં વધુ ત્રણ જમ્બો કોવિડ સેન્ટર શરૂ કરવાનો પ્લાન પાલિકાએ બનાવ્યો છે. આ દરેક સેન્ટરમાં ૨૦૦૦ બેડ હશે, જેમાં ૭૦ ટકા બેડ ઑક્સિજનના અને ૨૦૦ બેડ આઇસીયુના હશે.

coronavirus covid19 mumbai mumbai news brihanmumbai municipal corporation