લોકલ છે રડાર પર

30 December, 2021 10:06 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

અત્યારે તો કોઈ નિયંત્રણો લગાવવામાં નથી આવ્યાં, પણ ટ્રેનમાં કોરોનાના નિયમોનું પાલન ન કરનારા સામે કાર્યવાહી કરવાનો પ્રશાસનનો દાવો

ટ્રેનો, રેલવે સ્ટેશનો અને સંકુલમાં માસ્ક વગરના લોકો સામેની કાર્યવાહીમાં વધારો થયો છે

રાજ્ય સરકારે હજી સુધી લોકલ ટ્રેનના પ્રવાસ પર નિયંત્રણો લાદ્યાં નથી, પણ રેલવેએ લોકો તકેદારીના નિયમોનું પાલન કરે એ સુનિશ્ચિત કરવા માટેની કાર્યવાહી ચુસ્ત બનાવી દીધી છે. માસ્ક ન પહેરનારા લોકો સામે કાર્યવાહી કરવાની સાથે-સાથે વૅક્સિન સર્ટિફિકેટની પણ ચકાસણી કરવામાં આવે છે.
રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘અમે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ અને નિયમપાલનનો અમલ વધુ ચુસ્ત બનાવી દેવાયો છે. જોકે લોકલ ટ્રેનો માટેની માર્ગદર્શિકામાં કોઈ પરિવર્તન કરાયું નથી.’ 
રેલવે અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે ટિકિટ વિના પ્રવાસ કરનારા મુસાફરોને દંડ ફટકારવાની સાથે-સાથે રાજ્ય સરકારે રેલવેને મહામારીના નિયમોનો ભંગ કરનારાઓ સામે પગલાં ભરવાની પણ છૂટ આપી છે. એ અનુસાર ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીની માર્ગદર્શિકા અને કોરોનાના નિયમોનું પાલન ન કરનારી વ્યક્તિઓ પાસેથી ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે.
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘સેન્ટ્રલ રેલવેમાં ૨૬ ડિસેમ્બરે માસ્ક વગરની ૧૯૦ વ્યક્તિ પાસેથી ૩૫,૧૫૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં માસ્ક વગરના ૧૭૧૦ લોકોને કુલ ૨.૬ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.’
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રેલવે રિલેશન્સ ઑફિસર સુમીત ઠાકુરે જણાવ્યું હતું કે ‘વેસ્ટર્ન રેલવે સેક્શન પર ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં ૮૪૯ મુસાફરો પાસેથી માસ્ક ન પહેરવા બદલ કુલ ૧.૧૦ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૧થી ટ્રેનમાં માસ્ક પહેર્યા વગર મુસાફરી કરવાના તથા સ્ટેશન પર અને રેલવે સંકુલમાં કુલ ૨૫,૭૨૯ કેસ સામે આવ્યા હતા અને તેમની પાસેથી કુલ ૩૭.૩૬ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.’

mumbai mumbai news coronavirus covid19 rajendra aklekar mumbai local train