બે ગુજરાતી યુવાનોના મૃત્યુની યોગ્ય તપાસ ન થતી હોવાથી પરિવારજનો સાથે સ્થાનિક રહેવાસીઓએ કાઢી પીસ-માર્ચ

12 March, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિલે પાર્લે ગાવઠણમાં રહેતા બે ગુજરાતી યુવાનો હર્ષ મકવાણા અને માનવ પટેલના ગુરુવારે મધરાત બાદ થયેલા અકસ્માતમાં મોત થયા બાદ પોલીસ આ કેસમાં હળવા હાથે કામ લઈ રહી હોવાનો આક્ષેપ તેમના પરિવાર અને સમાજના મોભીઓએ કર્યો છે.

પરિવારજનો સાથે સ્થાનિક રહેવાસીઓએ કાઢી પીસ-માર્ચ

વિલે પાર્લે ગાવઠણમાં રહેતા બે ગુજરાતી યુવાનો હર્ષ મકવાણા અને માનવ પટેલના ગુરુવારે મધરાત બાદ થયેલા અકસ્માતમાં મોત થયા બાદ પોલીસ આ કેસમાં હળવા હાથે કામ લઈ રહી હોવાનો આક્ષેપ તેમના પરિવાર અને સમાજના મોભીઓએ કર્યો છે. આ જ કારણસર ગઈ કાલે તેમણે વિલે પાર્લેથી ખેરવાડી પોલીસ-સ્ટેશન સુધી પીસ-માર્ચ કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

શ્રી જાફરાબાદ તળપદા કોળી પટેલ સમાજના મોભી વિનોદભાઈ સાકડે પોલીસ-તપાસ સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘આ અકસ્માત નહોતો, આને તો મર્ડર જ કહેવું જોઈએ. આ ડ્રન્કન ડ્રાઇવિંગનો કેસ હતો, પણ પોલીસ એને સિરિયસલી નથી લઈ રહી. અમને ખબર પડી કે આ ચાર આરોપી યુવાનો ૧૦ કિલોમીટર ડ્રાઇવ કરીને આવ્યા હતા અને એમાં દસ વખત નિયમ તોડ્યા હતા. ઑલરેડી તેમની સામે ટ્રૅફિકના નિયમોનો ભંગ કરવાનાં દસથી ૧૨ ચલાન ઇશ્યુ થઈ ચૂક્યાં છે. ઓવરસ્પીડને લીધે ડિવાઇડર તોડીને સામેની લેનમાં તેઓ આવી ગયા હતા અને અમારા યુવાનોને અડફેટે લીધા. ત્યાં હાજર રહેલા આઇ-વિટનેસે અમને કહ્યું હતું કે આરોપીઓની કાર પર પોલીસનું બોર્ડ લગાડેલું હતું. આઇ-વિટનેસે જ્યારે તેમને પકડ્યા ત્યારે તેમને ખબર પડી કે તે ચારેય જણ બહુ જ નશામાં હતા. અમે તપાસ કરીને પોલીસને આ વાત કહી તો પણ તેમણે અમારી ફરિયાદમાં ક્યાંય પણ ડ્રન્કન ડ્રાઇવિંગની કલમ હેઠ‍ળ ગુનો નોંધ્યો નથી. એટલું જ નહીં, ડ્રાઇવર છોડીને તેની સાથેના બીજા ત્રણ જણ હતા તેમના પર પણ કોઈ કાર્યવાહી કરી નથી. આ ત્રણ જણ તેમની સાથે જ હતા. ડ્રાઇવર ઑલરેડી રૅશ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને આ લોકો તેને વધુ સ્પીડમાં ચલાવવા ઉશ્કેરે અને એના કારણે જો અમારા બે યુવાનો મરી જાય તો એ ત્રણ જણ સામે પણ ગુનો નોંધવો જોઈએ.’

vile parle mumbai police gujaratis of mumbai mumbai news news