સુશાંતના કેસમાં કોઈ પણ બીજેપીના નેતાએ આદિત્યનું નામ નથી લીધું : ફડણવીસ

29 August, 2020 07:31 AM IST  |  Pune | Agencies

સુશાંતના કેસમાં કોઈ પણ બીજેપીના નેતાએ આદિત્યનું નામ નથી લીધું : ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં બીજેપીના કોઈ પણ નેતાએ આદિત્ય ઠાકરેનું નામ નથી લીધું.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘બીજેપીના કોઈ પણ નેતાએ આદિત્ય ઠાકરેનું નામ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નથી લીધું. જે પ્રમાણે આ કેસમાં તથ્યો બહાર આવી રહ્યાં છે એ ઘણાં આશ્ચર્યજનક છે. ઘટનાના ૪૦ દિવસ પછી સીબીઆઇના હાથમાં કેસ સોંપવામાં આવ્યો. શું આ ચાલીસ દિવસમાં પુરાવાઓ નાબૂદ નહીં કર્યા હોય? મીડિયા પાસેથી મને જાણકારી મળી કે આઠ હાર્ડ ડિસ્ક ડિસ્ટ્રોય કરવામાં આવી છે. જે પ્રમાણે બધું ચાલી રહ્યું છે એ જોતાં લાગે છે કે મહારાષ્ટ્ર પોલીસ પર તપાસ દરમ્યાન રાજનીતિક દબાણ લાવવામાં આવી રહ્યું છે. મને ભરોસો છે કે સીબીઆઇ હકીકત સામે લાવવામાં સફળ થશે. મારે માત્ર એક જ વાત કહેવી છે કે જો આ કેસ વહેલામાં વહેલો તપાસ માટે આપવામાં આવ્યો હોત તો કદાચ પુરાવાઓ નષ્ટ ન થયા હોત અને દોષી વહેલો પકડાઈ ગયો હોત.’

થોડા સમય પહેલાં કૉન્ગ્રેસના લીડર સચિન સાવંતે દેવેન્દ્ર ફડણવીસ અને ફિલ્મ પ્રોડ્યુસર સંદીપ સિંહનો એક ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો અને આ સુશાંતના કેસ સાથે બીજેપીનો ઍન્ગલ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

mumbai mumbai news pune devendra fadnavis aaditya thackeray bharatiya janata party shiv sena