છાપાંના સ્ટૉલ્સ એસેન્શિયલ સર્વિસમાં હોવાથી કાર્યવાહી નહીં કરાય: ડીસીપી

08 April, 2021 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એસેન્શિયલ સર્વિસ સિવાયનાં તમામ કામકાજ બંધ રાખવાનો નિર્દેશ અપાયા બાદથી મુંબઈમાં પોલીસ અને પ્રશાસન દ્વારા કાયદાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરાઈ રહી છે

ફાઈલ તસવીર

કોરોનાને ફેલાતો રોકવા માટે રાજ્યભરમાં એસેન્શિયલ સર્વિસ સિવાયનાં તમામ કામકાજ બંધ રાખવાનો નિર્દેશ અપાયા બાદથી મુંબઈમાં પોલીસ અને પ્રશાસન દ્વારા કાયદાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરાઈ રહી છે. જોકે એેસેન્શિયલ સર્વિસમાં સામેલ હોવા છતાં છાપાંના સ્ટૉલ પણ પોલીસ બંધ કરાવી રહી હોવાની ફરિયાદો મળી રહી છે.

ન્યુઝપેપર વેન્ડર્સ કાંદિવલી યુનિયનના અધ્યક્ષ સંજય ચૌકેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે પોલીસે કાંદિવલી (ઈસ્ટ)માં રેલવે-સ્ટેશન પાસેના પેપરના સ્ટૉલ બંધ કરાવ્યા હતા. લોકો છાપાં ખરીદવા ગિરદી કરતા હોવાથી કાર્યવાહી કરાઈ રહી હોવાનું પોલીસ કહે છે. ન્યુઝપેપર એસેન્શિયલ સેવામાં હોવા છતાં શા માટે બંધ રાખવાનું કહેવાઈ રહ્યું છે?’

ન્યુઝપેપર વેન્ડર્સ યુનિયનના અધ્યક્ષ જયંત દાફાલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે દિવસથી પોલીસ અમારા સ્ટૉલ બંધ કરાવી રહી છે. ન્યુઝપેપરના સ્ટૉલ્સ ચાલુ રાખવાનો નિર્દેશ અપાયો હોવા છતાં પોલીસ હેરાનગતિ કરે છે.’

મુંબઈ પોલીસના પ્રવક્તા અને ડીસીપી એસ. ચૈતન્યએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ન્યુઝપેપર્સ વેન્ડર્સને સરકારે એસેન્શિયલ સર્વિસમાં સામેલ કર્યા છે. આથી તેઓ છાપાંઓનું વેચાણ ચાલુ રાખી શકે છે. કોઈક જગ્યાએ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરાતી હોય તો એ બરાબર નથી. તમામ પોલીસ-સ્ટેશનમાં એસેન્શિયલ સેવા બાબતની માહિતી પહોંચાડી દેવાઈ છે.’

coronavirus covid19 lockdown mumbai mumbai news