20 February, 2025 07:19 AM IST | Mumbai | Prakash Bambhroliya
નિષાદ રાજેન્દ્ર ગઢવી (જમણે) રાજેન્દ્ર ગઢવીના પુત્ર નિષાદનો આજે જન્મદિવસ છે
દીકરાની અકાળ વિદાયના માતમ વચ્ચે વિખ્યાત ગાયક રાજેન્દ્ર ગઢવીનો નિર્ણય
પાંચ દાયકા કરતાં વધુ સમયથી સંગીતની દુનિયામાં પોતાના સ્વરને રેલાવનારા વરિષ્ઠ સિંગર રાજેન્દ્ર ગઢવીના ૪૩ વર્ષના પુત્ર નિષાદ ગઢવીનું શનિવારે કૅન્સરની બીમારીને લીધે અવસાન થયું હતું. નિષાદની મોઢાના કૅન્સરની સારવાર ચાલતી હતી. કીમોથેરપી સહન ન થવાથી સાતેક દિવસથી ખાવા-પીવાનું બંધ થઈ જતાં નિષાદે ૧૫ ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળ્યું હતું. આજે નિષાદનો બર્થ-ડે છે અને પુત્રના અવસાનનો આઘાત હોવા છતાં પ્રોફેશનલ કમિટમેન્ટને પૂરું કરવા રાજેન્દ્ર ગઢવી આજે સાંજે બોરીવલીમાં આવેલા પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમમાં શમ્મી કપૂર-દેવ આનંદ સ્પેશ્યલ મ્યુઝિકલ શો કરવાના છે.
બોરીવલી-વેસ્ટમાં ચીકુવાડીમાં રહેતા ૭૮ વર્ષના સિંગર રાજેન્દ્ર ગઢવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પુત્ર નિષાદ એકદમ હૅન્ડસમ યુવાન હતો. તેને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવા છતાં મોઢાનું કૅન્સર ડિટેક્ટ થયું હતું. એક સર્જરી કર્યા બાદ કીમોથેરપી શરૂ કરવામાં આવી હતી. ગળામાં ચાંદાં પડી જવાથી નિષાદ ખોરાક નહોતો લઈ શકતો એટલે છેલ્લા એક અઠવાડિયાથી લિક્વિડ પર જ હતો. તે હૉસ્પિટલમાં ઍડ્મિટ હતો ત્યારે જ ૧૫ ફેબ્રુઆરીએ છેલ્લા શ્વાસ લીધા હતા. મારી દીકરી દુબઈમાં રહે છે, જ્યારે નિષાદ તેની પત્ની અને આઠમા ધોરણમાં ભણતા પુત્ર સાથે મારી સાથે જ રહે છે. નિષાદે માર્કેટિંગમાં માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA) કર્યું હતું. લૉની ડિગ્રી પણ હતી એટલે લૉયર તરીકે તે પ્રૅક્ટિસ પણ કરતો હતો. આજે નિષાદનો બર્થ-ડે છે. બોરીવલીના પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમમાં મારા શમ્મી કપૂર-દેવ આનંદ સ્પેશ્યલ મ્યુઝિકલ શોનું બુકિંગ કરી દેવામાં આવ્યું છે એટલે પુત્રના અવસાનને લીધે એ રદ કરવાને બદલે શો કાયમ રાખવાનો નિર્ણય લીધો છે.’
ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર ગઢવી ૫૪ વર્ષથી સંગીતની દુનિયા સાથે સંકળાયેલા છે. સલિલ ચૌધરી, ઓ. પી. નૈયર, કલ્યાણજી-આણંદજી અને સી. રામચંદ્ર જેવા બૉલીવુડના દિગ્ગજ સંગીતકારો સાથે તથા પોતાના મળીને રાજેન્દ્ર ગઢવીએ છ હજાર જેટલા લાઇવ મ્યુઝિકલ શો કર્યા છે.
નિષાદ રાજેન્દ્ર ગઢવીની આવતી કાલે સાંજે ચારથી ૫.૩૦ વાગ્યા દરમ્યાન બોરીવલી-વેસ્ટમાં એલ. ટી. રોડ પર આવેલા શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘમાં પ્રાર્થનાસભા રાખવામાં આવી છે.