નિર્ભયા સ્ક્વૉડે ચાર મહિનામાં ચાર મહિલાને આત્મહત્યા કરતાં અટકાવી

28 January, 2022 09:08 AM IST  |  Mumbai | Mehul Jethva

મુંબઈમાં મહિલાઓની મદદ કરી રહી છે આ સ્ક્વૉડ : ૨૫ મહિલાની છેડતીની ફરિયાદમાં, ૧૮ સિનિયર સિટિઝનોને અને પાંચ માનસિક રીતે અક્ષમ મહિલાઓને કરવામાં આવી મદદ

૨૬ જાન્યુઆરીએ મુલુંડની નિર્ભયા સ્ક્વૉડની મહિલા કૉન્સ્ટેબલોએ મુલુંડમાં પાંચ રસ્તા નજીક રસ્તા પરનાં બાળકોને ફૂલ આપીને તેમની સાથે સમય વિતાવ્યો હતો.

સાકીનાકામાં ગયા વર્ષે બળાત્કાર અને હત્યાની ઘટના નોંધાઈ હતી જેમાં એક યુવતીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો રાજ્યમાં વિરોધ થયા પછી મુંબઈ પોલીસે સપ્ટેમ્બર મહિનામાં મુંબઈના દરેક પોલીસ સ્ટેશનમાં નિર્ભયા સ્ક્વૉડની શરૂઆત કરી હતી. છેલ્લા ચાર મહિનામાં નિર્ભયા પથકે બાવન મહિલાની મદદ કરી છે, જેમાં પાંચ જણના જીવ પણ બચાવ્યા છે.
મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાલેએ ગયા વર્ષે બળાત્કારની ઘટના પછી દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા અધિકારીની બનેલી એક વિશેષ ટુકડીની સ્થાપના કરી હતી જેનું નામ ‘નિર્ભયા સ્ક્વૉડ’ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્વૉડમાં એક મહિલા અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અથવા સબ-ઇન્સ્પેક્ટર, એક મહિલા કૉન્સ્ટેબલ, એક પુરુષ કૉન્સ્ટેબલ અને ડ્રાઇવરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નિર્ભયા સ્ક્વૉડે મુંબઈમાં છેલ્લા ચાર મહિનામાં ૨૫ મહિલાની છેડતીની ફરિયાદમાં મદદ કરી હતી અને ચારની આત્મહત્યા થતી અટકાવી હતી. એવી જ રીતે ૧૮ સિનિયર સિટિઝનોને મદદ કરવામાં આવી હતી. આ ઉપરાંત માનસિક રીતે અક્ષમ પાંચ મહિલાઓને મદદ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પહેલાં પૅટ્રોલિંગ વાહનથી શરૂઆત કરી હતી. જોકે લોકો સુધી પહોંચવા માટે હવે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપ જેવાં માધ્યમો સાથે દરેક પોલીસ સ્ટેશન જોડાયું છે. એ સાથે નિર્ભયા સ્ક્વૉડમાં રહેલી મહિલાઓને વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે કે મહિલાઓ સાથે કેવી રીતે વર્તન કરવું તથા જો કોઈ મહિલા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હોય તો તેને કેવી રીતે કાઉન્સેલિંગ આપવું.’ 

Mumbai mumbai news mehul jethva sakinaka