22 August, 2025 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્વિમિંગ-પૂલમાં સાપ
વિદ્યાવિહારના એક સ્વિમિંગ-પૂલમાં ગઈ કાલે સવારે સાપ તરતો જોવા મળ્યો હતો. એથી સ્વિમિંગ-પૂલ ઑપરેટ કરતી એજન્સીએ ઇન્સ્ટ્રક્ટર રિતેશ ભગતનો સંપર્ક કર્યો હતો. રિતેશ ભગત સાપ પકડવામાં પણ માહેર છે. રિતેશે ત્યાર બાદ સ્વિમિંગ-પૂલમાં ઊતરીને સાપને પકડી લીધો હતો. એ સાપ ચેકર્ડ કીલબૅક પ્રકારનો બિનઝેરી સાપ હતો. સાપને પકડ્યા બાદ એને કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
બાળકીને મૂકીને મમ્મી પ્રેમી સાથે ભાગી જવાથી લાચાર નાના-નાનીનું નિર્દય પગલું
પંજાબના જાલંધરમાં હૃદય કંપાવી દેનારી ઘટના બની હતી. અહીં નાના-નાનીએ છ મહિનાની પોતાની જ દોહિત્રીની હત્યા કરી હતી. હત્યાનું કારણ એ હતું કે નાની બાળકીને વૃદ્ધ નાના-નાની સાચવી શકતાં નહોતાં. બાળકી રાતે ખૂબ જ રડતી હતી અને આ વૃદ્ધ દંપતી માટે બાળકીને સાચવવાનું કામ મુશ્કેલ બની ગયું હતું. બાળકીની માતા ત્રણ વાર લગ્ન કર્યા પછી પણ ક્યાંય સ્થિર નહોતી થઈ અને ચોથા પ્રેમી સાથે બાળકીને માતા-પિતા પાસે મૂકીને ભાગી ગઈ હતી.
વારાણસીના શ્રી કાશીવિશ્વનાથ મંદિરના શિખર પર સળંગ ત્રીજા દિવસે સફેદ ઘુવડ જોવા મળ્યું હતું. રાતે ૧૦ વાગ્યાની આરતીના સમયે આ ઘુવડ શિખર પર આવીને બેઠું હતું. ભક્તોજનો આ ઘુવડને મહાદેવનો નેમિ ભગત ગણાવી રહ્યા છે. કાશીવિશ્વનાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) વિશ્વ ભૂષણ મિશ્રએ સોશ્યલ મીડિયા પર આ ઘુવડની તસવીરો શૅર કરી હતી. વિદ્વાનો આ પ્રસંગને શુભ પ્રતીક પણ ગણાવી રહ્યા છે.
જમ્મુના સાંબા જિલ્લામાં ગઈ કાલે વૈષ્ણોદેવી માતાના મંદિરે જતી એક બસ ૨૦ ફુટ ઊંડા નાળામાં પડી ગઈ હતી. આ બસમાં ૭૦ જેટલા યાત્રીઓ સવાર હતા. આ દુર્ઘટનામાં એક શ્રદ્ધાળુનું મૃત્યુ થયું હતું અને ૪૦થી વધુ યાત્રીઓ ઘાયલ થયા હતા.
અમેરિકા સાથેના ટૅરિફ-વિવાદની વચ્ચે ચીનના ઍમ્બૅસૅડર ઝુ ફેઇહોન્ગે ભારત માટે જાહેરમાં સપોર્ટ બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘અમેરિકાની નીતિનો અમે વિરોધ કરીએ છીએ. ચીન ભારતના પડખે ઊભું છે. ચીનનાં બજારો ભારતની ચીજવસ્તુઓ માટે ખુલ્લાં છે. અમે અમારાં બજારોમાં ભારતની ચીજવસ્તુઓનું સ્વાગત કરીએ છીએ.’
થાણેના ઘોડબંદર રોડ પર ટ્રાફિક જૅમની સમસ્યા ટાળવા રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે સવારના ૬ વાગ્યાથી મધરાતના ૧૨ વાગ્યા દરમ્યાન હેવી વેહિકલ્સને ઘોડબંદર રોડ પર પ્રવેશ આપવા પર બંધી મૂકી દીધી છે. થાણેમાં ચાલી રહેલાં વિકાસકામોની રિવ્યુ-મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મીટિંગમાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર સૌરભ રાવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
બોઇસરમાં મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)ની મેડલી ફાર્મા નામની કંપનીમાં ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે નાઇટ્રોજન રીઍક્શન ટૅન્કમાંથી ગૅસ લીક થવાથી ૬ કામગારોને એની અસર થઈ હતી. તેમને તરત જ નજીકની શિંદે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડૉક્ટરે તેમને તપાસ્યા બાદ ધીરજ પ્રજાપતિ, કલ્પેશ રાઉત, બંગાલી ઠાકુર અને કમલેશ યાદવને મૃત જાહેર કર્યા હતા; જ્યારે રોહન શિંદે અને નીલેશ હાડળની હાલત ગંભીર જણાતાં તેમને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
તળ મુંબઈમાં રહેતાં ૮૧ વર્ષનાં વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટની બનાવટી ધમકી આપીને તેમની પાસેથી ૭.૮ કરોડ રૂપિયા પડાવી લેવાના સાઇબર ફ્રૉડના કેસમાં ટોળકીના એક ગઠિયાને પોલીસે મલાડના માલવણીમાંથી ઝડપી લીધો છે.
આ વિશે માહિતી આપતાં પોલીસે કહ્યું હતું કે ‘છેતરપિંડીનો ભોગ બનેલાં વૃદ્ધાના અકાઉન્ટમાંથી ૧.૯૮ લાખ રૂપિયાની રકમ મલાડના માલવણીમાં રહેતા ૨૧ વર્ષના કાર્તિક ચૌધરીના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી. એથી બૅન્કમાંથી મેળવવામાં આવેલી વિગતના આધારે કાર્તિકની ધરપકડ કરવામાં આવી હતી. કાર્તિકે એ રકમ ઉપાડી પોતાનું કમિશન કાપીને બાકીની રકમ ટોળકીના અન્ય ગઠિયાને આપી દીધી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું.’
આ કેસમાં વૃદ્ધાએ પોલીસમાં ફરિયાદ કરી જ નહોતી. જોકે પોલીસને એવી માહિતી મળી હતી કે તેમના અકાઉન્ટમાંથી મોટી રકમની ટ્રાન્સફર થઈ રહી છે. એથી પોલીસે એ બાબતે તપાસ ચાલુ કરી હતી અને પછી વૃદ્ધાનો સંપર્ક કરીને આ બાબતે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા બીજા આરોપીઓને ઝડપી લેવા પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.