✕

News In Shorts: મોબાઇલ પર વાત કરતી વખતે વિન્ડોની ‌ગ્રિલને અડક્યો અને શૉક લાગ્યો, યુવાનનું મોત

25 September, 2026 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસ હવે તપાસ કરી રહી છે કે એ વિન્ડો-ગ્રિલમાં વીજળીનો કરન્ટ આવ્યો કઈ રીતે.

પ્રતીકાત્મક તસવીર

થાણેના માનપાડા વિસ્તારની એક ચાલમાં સોમવારે ઇલેક્ટ્રિક શૉક લાગતાં એક યુવાનનું મોત થયું છે. ૩૪ વર્ષનો મોહિત ભંવર મોબાઇલ પર વાત કરતાં-કરતાં એક ગ્રિલને અડક્યો હતો એટલે તેને વીજળીનો જોરદાર કરન્ટ લાગ્યો હતો. તેને તરત જ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ તપાસીને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધ્યો હતો. પોલીસ હવે તપાસ કરી રહી છે કે એ વિન્ડો-ગ્રિલમાં વીજળીનો કરન્ટ આવ્યો કઈ રીતે.

કાર પર પડ્યું તોતિંગ ઝાડ

થાણે-વેસ્ટના ખોપટ વિસ્તારમાં ભાવેશ પ્લાઝા સોસાયટીમાં આવેલું ગુલમોહરનું એક તોતિંગ ઝાડ ગઈ કાલે સોસાયટીમાં જ પાર્ક કરેલી એક કારની છત પર પડ્યું હતું જેને કારણે કારને ભારે નુકસાન થયું હતું. આ ઘટનાની જાણ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ અને ફાયર-બ્રિગેડને કરવામાં આવી હતી. એના જવાનોએ ઇલેક્ટ્રિક કરવતથી ઝાડની ડાળીઓ કાપીને હટાવી હતી. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નહોતું.

થાણેમાં શનિવારે પાણી નહીં આવે

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ ૨૬ સપ્ટેમ્બરે સવારે ૯ વાગ્યાથી ૨૭ સપ્ટેમ્બરે સવારે ૯ વાગ્યા સુધી ૨૪ કલાક માટે કામચલાઉ ધોરણે પાણીપુરવઠો બંધ રાખવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારની AMRUT 2.0 યોજના હેઠળ ટેમઘર વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વધુ ક્ષમતાવાળી પમ્પિંગ મશીનરી બેસાડવા માટે આ કામગીરી જરૂરી છે. આ સમયગાળા દરમ્યાન આ વિસ્તારોમાં પાણી નહીં આવે.

મધ્ય અને દક્ષિણ વિસ્તારો : ઇન્દિરાનગર, સાઠેનગર, આંબેવાડી, ડાવલેનગર, સાવરકરનગર, લોકમાન્યનગર (પાડાનંબર ૨, ૩ અને ૪), ચૈતન્યનગર, શ્રીનગર, કિસનનગર, શિવ ટેકરી, શાંતિનગર અને કૈલાશનગર.

પશ્ચિમ પટ્ટો અને પહાડી વિસ્તારો : ભટવાડી, વાઘરીપાડા, રૂપાદેવીપાડા, રામનગર, સી. પી. તળાવ વિસ્તાર અને યેઉર વિસ્તાર. ઘોડબંદર રોડ કૉરિડોર તેમ જ ઉપનગરોમાં મુંબ્રા રેતીબંદર અને અન્ય નજીકના વિસ્તારો.

ગોરેગામમાં ફિલ્મસિટીનો ફ્લાયઓવર બનીને તૈયાર, નાનું-મોટું કામ બાકી

ગોરેગામ-મુલુંડ લિન્ક રોડના પ્રોજેક્ટ અંતર્ગત ગોરેગામના ગોકુલધામથી ફિલ્મસિટી સુધી બનાવવામાં આવેવા ૧.૨૬ કિલોમીટર લાંબા ફ્લાયઓવરનું બાંધકામ પૂરું થઈ ગયું છે અને ૧૫ ઑક્ટોબરથી મોટરિસ્ટો માટે ખુલ્લો મુકાય એવી શક્યતા છે. હાલ એના પર લાઇટના થાંભલા બેસાડવા, 
નૉઇસ-બૅરિયર બેસાડવા, ટ્રાફિકના સાઇન બોર્ડ અને રિફ્લેક્ટર બેસાડવાનું કામ ચાલી રહ્યું છે. ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઍડિશનલ કમિશનર અભિજિત બાંગરે સ્પૉટ પર જઈ એનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી. 

મંગળવારે ચેમ્બુરમાં પાણી નહીં આવે

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના M-ઈસ્ટ અને M-વેસ્ટ વૉર્ડમાં પાણીપુરવઠો સુધારવા માટે તુર્ભે અપર લેવલ જળાશયની ટનલ સ્ટાર્ટ કરવાની હોવાથી એનું કામ મંગળવારે ૨૯ સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગ્યાથી બુધવારે ૩૦ સપ્ટેમ્બરે સવારના ૧૦ વાગ્યા સુધી હાથ ધરવામાં આવ્યું છે. એથી આ સમય દરમ્યાન M-ઈસ્ટ અને M-વેસ્ટ વૉર્ડમાં પાણીસપ્લાય નહીં થાય. આ ઉપરાંત એ પછીના ૭ દિવસ સુધી પ્રેશર ઓછું હોવાથી પાણીની સપ્લાય ઓછી થશે. એથી લોકોને પાણી સાચવીને વાપરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

mumbai news mumbai mumbai police thane crime thane