18 February, 2026 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અંબરનાથના એક મંદિરમાં પૂજા કરવા ગયેલી મહિલાની સાડીમાં દીવાની જ્યોત અડી જતાં તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. સારવાર દરમ્યાન ૭૩ વર્ષનાં આ મહિલાએ જીવ ગુમાવ્યો હતો. અંબરનાથ-વેસ્ટ પોલીસે કહ્યું હતું કે ‘મહિલા ૧૪ ફેબ્રુઆરીએ સ્થાનિક શિવમંદિરમાં પૂજા માટે ગયાં હતાં. તેમની સાડી અકસ્માતે મંદિરમાં પ્રગટાવેલા દીવાના સંપર્કમાં આવી ગઈ હતી અને ઝડપથી આખી સાડીમાં આગ ફેલાઈ ગઈ હતી. મંદિરમાં હાજર લોકોએ તેમને ઉલ્હાસનગર સેન્ટ્રલ હૉસ્પિટલમાં ખસેડ્યાં હતાં જ્યાં રવિવારે તેમનું મૃત્યુ થયું હતું. અમે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.’
થાણે ટ્રાફિક પોલીસે ઑર્ગન-ડોનરના હૃદયને થાણેથી મુંબઈ પહોંચાડવા માટે એક સીમલેસ ગ્રીન કૉરિડોર બનાવ્યો હતો. સામાન્ય કરતાં અડધા સમયમાં બન્ને શહેરો વચ્ચેનું અંતર કપાતાં દરદીને જીવનદાન મળ્યું હતું. યોગાનુયોગ આ હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ વૅલેન્ટાઇન્સ ડે પર થયું હતું. થાણે ટ્રાફિકના ડેપ્યુટી પોલીસ કમિશનર પંકજ શિરસાટે જણાવ્યું હતું કે ‘જ્યુપિટર હૉસ્પિટલથી બ્રેઇન-ડેડ વ્યક્તિના હાર્ટને સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ પહોંચાડવા માટે માત્ર ૩૦ મિનિટમાં તૈયારી કરી હતી. સાંજે ૫.૫૫ વાગ્યે થાણેની જ્યુપિટર હૉસ્પિટલથી મેડિકલ ટીમ અને પોલીસટીમનો કાફલો ડોનરનું હાર્ટ લઈને નીકળ્યો હતો. કુલ ૩૫ કિલોમીટરનું અંતર કાપવાનું હતું, જેમાંથી ૬ કિલોમીટર થાણેની ભીડભાડવાળા વિસ્તારનો હતો જેને પસાર કરવાનો અંદાજિત સમય ૧૪ મિનિટ હતો પરંતુ અમારી એસ્કોર્ટિંગ ટીમે ફક્ત ૮ મિનિટમાં રસ્તો ક્લિયર કરી દીધો, જેનાથી હૃદય કોઈ પણ વિલંબ વિના મુંબઈ પહોંચી ગયું.’
ભિવંડીમાં મોટરસાઇકલ ખોટી દિશામાં પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાતાં બે કઝિન ભાઈઓનાં મોત થયાં હતાં. રવિવારે મોડી રાત્રે ભિવંડીના વેહાલેગાંવ રોડ નજીક આ ઘટના બની હતી. બન્ને ભાઈઓ મંદિરમાં દર્શન કરીને ઘરે પાછા ફરી રહ્યા હતા. નારપોલી પોલીસ સ્ટેશનના એક ઑફિસરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યે જ્યારે તેઓ તેમની મોટરસાઇકલ પર દિવા પાછા ફરી રહ્યા હતા ત્યારે તેઓ ખોટી દિશામાં રસ્તા પર આડેધડ પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાયા, જેમાં કોઈ પાર્કિંગ લાઇટ નહોતી. બન્ને યુવાનોને માથા પર અને અન્ય ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ડમ્પરચાલક ઘટના પછી તરત જ ભાગી ગયો હતો. મરનાર યુવાનોની ઓળખ ૧૯ વર્ષના આયુષ જાધવ અને ૨૫ વર્ષના હૃષીકેશ જાધવ તરીકે થઈ છે. બન્ને દિવામાં અગાસન રોડ પર એક જ બિલ્ડિંગમાં રહેતા હતા.’
મંગળવારે મોડી રાતે BESTની ઍર-કન્ડિશન્ડ બસમાં ભીષણ આગ લાગી હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. ફાયર-બ્રિગેડે આપેલી પ્રાથમિક માહિતી મુજબ ગઈ કાલે રાતે ૯ વાગ્યે કાંદિવલી-ઈસ્ટમાં BEST દ્વારા સંચાલિત એક CNG બસમાં આગ લાગી હતી. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંદિવલી-ઈસ્ટમાં સાંઈધામ મંદિર પાસે રૂટ-નંબર ૨૮૯ની બસ કાંદિવલી સ્ટેશનથી અનીતાનગર જઈ રહી હતી. આગ લાગતાં જ બસમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બસ ડાગા ગ્રુપ દ્વારા બેસ્ટ માટે ભાડા પર ચલાવવામાં આવે છે. આગનું કારણ નક્કી થયું નથી અને વધુ વિગતની રાહ જોવાઈ રહી છે. બસમાં આગ લાગતાં થોડા સમય માટે વેસ્ટર્ન એક્સપ્રેસવે પરનો ટ્રાફિક ખોરવાયો હતો.
દાહોદ જિલ્લાના ગરબાડા ગામમાં મહાશિવરાત્રિ નિમિત્તે યોજાયેલી શિવયાત્રામાં સ્ટન્ટબાજી દરમ્યાન એક ભક્તનું મૃત્યુ થયું એ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો. શિવયાત્રામાં કરતબ દરમ્યાન રમણ રાઠોડ નામની વ્યક્તિ સળગી ગઈ હતી. સ્ટન્ટ કરનારી વ્યક્તિએ પેટ્રોલ છાંટીને આગ લગાડી હતી. આ આગની જ્વાળાઓ પાસે જ ઊભેલા રમણ રાઠોડને ભરખી ગઈ હતી. આ ઘટના સમયે અહીં સેંકડો લોકો હાજર હતા એટલે આસપાસના લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલા રમણ રાઠોડને તરત દાહોદની ઝાયડસ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર રીતે દાઝી ગયો હોવાથી ઇલાજ દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.
તામિલનાડુના વેલ્લોર જિલ્લામાં માયના કોલ્લઈ ફેસ્ટિવલ દરમ્યાન નીકળેલી ૬૦ ફુટ ઊંચા રથ સાથેની શોભાયાત્રામાં રથ અચાનક પલટાઈ જતાં ૭ લોકો એની નીચે ફસાઈ ગયા હતા. રવિવારે ૧૦ ગામોનાં દેવી-દેવતાઓને સજાવીને મંદિરના રથ પર બેસાડવામાં આવ્યાં હતાં અને તેમની નગરયાત્રા કરાવીને નદીકિનારે લઈ જવામાં આવ્યાં હતાં. અહીં પરંપરા અનુસાર આરતી કરીને પ્રસાદ ચડાવવામાં આવ્યો. જોકે એ પછી અડધી રાતે રથને નદીકિનારેથી ગામ તરફ પાછો લાવવા માટે વાળવામાં આવી રહ્યો હતો ત્યારે રથનું સંતુલન બગડતાં એ એક તરફ ઝૂકીને તૂટી પડ્યો હતો. રથ નીચે ચગદાયેલા ૭ લોકોને સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પાકિસ્તાનની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યાની ગુપ્તચર માહિતી મળ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના કઠુઆ અને સાંબા જિલ્લામાં સુરક્ષાવ્યવસ્થા હાઈ-અલર્ટ પર રાખવામાં આવી છે. અધિકારીઓએ શંકાસ્પદ આતંકવાદીઓના ફોટો ધરાવતાં પોસ્ટરો લગાડ્યાં છે અને સ્થાનિક રહેવાસીઓને સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલની તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી છે. ગુપ્તચર એજન્સીઓને વિશ્વસનીય માહિતી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓનાં પોસ્ટર તેમના ફોટો સહિત લગાડવામાં આવ્યાં છે.