27 November, 2026 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે એક ટ્રકમાં ગેરકાયદે ભરીને લાવવામાં આવતી દારૂની બૉટલોનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે પચીસ વર્ષના ડ્રાઇવરની ધરપકડ કરી હતી તથા ૧.૫૪ કરોડ રૂપિયાની કિંમતની ૫૯,૨૮૦ ગોવા મેડ રૉયલ બ્લુ મૉલ્ટ વ્હિસ્કીની બૉટલ જપ્ત કરી હતી. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે મુંબ્રાના પારસિક રેતી બંદરે આ કાર્યવાહી હાથ ધરી હતી.
એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની ફ્લાઇંગ સ્ક્વૉડને મળેલી ગુપ્ત બાતમીના આધારે તેમણે ગોવાથી ગેરકાયદે મોકલવામાં આવતો દારૂ લઈ જતી ટ્રકને આંતરી હતી અને એની તપાસ કરતાં એમાંથી ગેરકાયદે દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ બાબતે ટ્રકના ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં શરૂઆતમાં ડ્રાઇવરે ટ્રકમાં પંખા અને અન્ય સ્પેરપાર્ટ્સ લઈ જવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. જોકે ટ્રકની સઘન તપાસ કરવામાં આવતાં એમાંથી ખાખી રંગના કાર્ડબોર્ડનાં બૉક્સમાંથી દારૂની બૉટલો મળી આવી હતી. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને ટ્રકમાંથી કુલ ૧૨૩૫ બૉક્સ મળી આવ્યાં હતાં જેમાં ૧૮૦ મિલીલીટરની વ્હિસ્કીની ૫૯,૨૮૦ બૉટલ મળી હતી.
કાંદિવલી (વેસ્ટ)માં દહાણુકરવાડી સ્મશાનભૂમિમાં ૨૮ નવેમ્બરથી બીજી ડિસેમ્બર સુધી લાકડાં પર અંતિમ સંસ્કાર બંધ રાખવામાં આવશે. ઍર પૉલ્યુશન કન્ટ્રોલ સિસ્ટમ અનુસાર બેસાડવામાં આવેલી ચીમની બદલવાનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી તાત્પૂરતા ધોરણે શનિવાર ૨૮ નવેમ્બરથી બીજી ડિસેમ્બર બુધવાર સુધી પાંચ દિવસ માટે અહીં લાકડાદહન દ્વારા અંતિમ ક્રિયા નહીં કરી શકાય.
જોકે લોકોને અસુવિધા ન થાય એ માટે આ દરમ્યાન સ્મશાનભૂમિમાં ઇલેક્ટ્રિક તથા પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG) દ્વારા અંતિમ સંસ્કારની સુવિધા શરૂ રાખવામાં આવી છે. BMC દ્વારા આ સ્મશાનભૂમિમાં હાલની ચીમની કાઢીને એના સ્થાને નવી ચીમની બેસાડવાનું કામ હાથ ધરવામાં આવશે.
થાણે જિલ્લામાં આવેલા પાવરલૂમ શહેર ભિવંડીમાં ગુરુવારે ગટર-લાઇન સાફ કરતી વખતે ગૂંગળામણ થવાથી બે મજૂરોનાં મોત થયાં હતાં. ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશન (BNMC)ના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા સાકિબ ખારબેએ જણાવ્યું હતું કે ‘આ ઘટના ગુરુવારે બપોરના BNMC કમિશનરના બંગલા નજીક બની હતી. આ બન્ને મજૂરો ગટર-લાઇનમાં આવેલો અવરોધ દૂર કરવા માટે કામે લગાડાયેલી પ્રાઇવેટ મજૂરોની ટીમનો ભાગ હતા. ગટર-લાઇનની અંદર સફાઈ-કામગીરી દરમ્યાન બન્ને મજૂરોને ગૂંગળામણ થઈ અને તેઓ બહાર આવી શક્યા નહીં. જ્યારે તેમના સાથી-કામદારોએ જોયું કે તેઓ બહાર આવ્યા નથી ત્યારે તેમણે તાત્કાલિક બૂમાબૂમ કરી હતી.
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા સાઉથ મુંબઈમાં આવેલી એક રેસ્ટોરાંના સાઇનબોર્ડ વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કરીને એને ઢાંકી દેવામાં આવ્યું હતું. રેસ્ટોરાં પર મુંબઈને બદલે બૉમ્બે લખવામાં આવ્યું હતું એના વિરોધમાં આ કૃત્ય કરવામાં આવ્યું હતું. ત્યાર પછી MNSના કાર્યકર્તાઓએ રેસ્ટોરાંના માલિકને મળીને તેની રેસ્ટોરાંની આગળ લગાવવામાં આવતા શબ્દ બૉમ્બેની જગ્યાએ મુંબઈનો ઉપયોગ કરવાની ચેતવણી આપી હતી. શહેરનું નામ સત્તાવાર રીતે મુંબઈ થયું હોવા છતાં બૉમ્બે શબ્દનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના મામલે MNS કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
વસઈમાં પોતાના ઘરમાં પ્રવેશવા બાબતે થયેલા વિવાદ બાદ એક ૩૦ વર્ષની વ્યક્તિની તેની બહેને છરી મારીને હત્યા કરી હોવાનો આરોપ છે, અેમ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું. આ ઘટનાના સંદર્ભે સુનીતા ભોઈર નામની ૩૪ વર્ષની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે વસઈ-વેસ્ટના નૌપાડા-આનંદનગર વિસ્તારમાં બની હતી જે માણિકપુર પોલીસ-સ્ટેશનની હદમાં આવે છે.
માણિકપુર પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે સુનીતાએ તેના ભાઈ ગણપત મુકાનેને પોતાના ઘરમાં પ્રવેશવા દેવાનો ઇનકાર કર્યો ત્યારે તેમની વચ્ચે દલીલબાજી શરૂ થઈ હતી. આ ઝઘડા દરમ્યાન ગણપતે કથિત રીતે સુનીતા પર હુમલો કર્યો હતો જેનાથી ઉશ્કેરાઈને સુનીતાએ છરી લાવીને તેના પેટના ભાગે ઘા ઝીંકી દીધો જેના પરિણામે ગણપતનું મૃત્યુ થયું હતું. ગણપતના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને સુનીતાની ધરપકડ કરવામાં આવી છે.