08 February, 2026 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેની વાગળે એસ્ટેટમાં મંગળવારે ૧૨ વર્ષના છોકરાએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. છોકરાએ તેના છઠ્ઠા માળના ઘરની બારીમાંથી નીચે ઝંપલાવી દીધું હતું. તેણે ઝંપલાવી દીધું હોવાની જાણ થતાં જ બિલ્ડિંગના રહેવાસીઓ તેને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશને કહ્યું હતું કે ‘ઘટના સંદર્ભે અમે હાલ ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધ્યો છે. વળી છોકરા પાસેથી કોઈ સુસાઇડ-નોટ પણ મળી નહોતી. તેણે શા માટે આત્મહત્યા કરી એની તપાસ અમે કરી રહ્યા છીએ. અમે બિલ્ડિંગના CCTV કૅમેરાનાં ફુટેજ પણ ચકાસી રહ્યા છીએ. સાથે જ તેનો મોબાઇલ ફોન અને અન્ય ડિવાઇસ પણ તપાસીને તેણે આવું અંતિમ પગલું શા માટે ભર્યું એ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ.’
દીવાના શિળફાટા વિસ્તારમાં આવેલા ખાન કમ્પાઉન્ડની પાછળ પાણી ભરેલા એક ખાડામાંથી ૬ વર્ષની બાળકીનો મૃતદેહ ગઈ કાલે મળી આવ્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલી કોઈ વ્યક્તિએ એ જોઈને પોલીસને જાણ કરી હતી. પોલીસ અને ફાયર-બ્રિગેડ બન્ને ત્યાં પહોંચી ગયાં હતાં અને મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યો હતો અને બાળકીના પરિવારને એ વિશે જાણ કરી હતી. પોલીસે પરિવારના સભ્યો અને અન્ય સ્થાનિક રહેવાસીઓનાં આ સંદર્ભે સ્ટેટમેન્ટ નોંધીને કેસની વધુ તપાસ શરૂ કરી છે.
થાણેમાં ૬.૬૮ કરોડ રૂપિયાનું હેરોઇન રાખવાના આરોપમાં ૫૦ વર્ષના ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની માહિતી આપતાં ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઇમ) અમરસિંહ જાધવે શનિવારે જણાવ્યું હતું કે ‘ખબરીએ આપેલી માહિતીના આધારે થાણે ક્રાઇમ બ્રાન્ચના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC)એ ૧ ફેબ્રુઆરીની રાત્રે ઘોડબંદર રોડ વિસ્તારમાં આરોપી ઑટોરિક્ષા-ડ્રાઇવર ફરદીન ગુલઝાર મુલ્લાને અટકાવ્યો અને તેની પાસેથી ૨.૨૮૮ કિલો હેરોઇન જપ્ત કર્યું. જપ્ત કરેલા હેરોઇનની કિંમત અંદાજે ૬.૬૮ કરોડ રૂપિયા છે. આરોપી ફરદીન મુલ્લા પર નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.’
મુંબ્રા બાયપાસ રોડ પર ગઈ કાલે સવારે ૭.૪૦ વાગ્યે એક કાચા શેડમાં લાગેલી આગને કારણે એની બાજુમાં પાર્ક કરેલી ૩ રિક્ષા અને એક બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નથી. રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આગ લાગ્યાની જાણ થતાં જ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ અને ફાયર-બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને એક કલાકમાં આગ ઓલવી નાખી હતી. આગ ચોક્કસ કયા કારણસર લાગી એ જાણી શકાયું નહોતું. એની તપાસ ચાલી રહી છે.’